– ફરી કોલ્ડ-વોરની સ્થિતિ સર્જાઈ રહી છે
– ઈરાનના હુમલા પછી અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ ઈઝરાયેલ સાથે ઊભા છે : ઈરાનની કેટલીએ મિસાઈલ્સ અને ડ્રોન વિમાનો તેમણે તોડી પાડયાં છે
નવી દિલ્હી : ઈરાનના ઈઝરાયલ પરના હુમલા પછી મધ્ય પૂર્વમાં તંગદિલી અત્યંત વધી ગઈ છે. ઈરાને શનિ-રવિની મોડી રાત્રે ઈઝરાયલ ઉપર ૩૦૦થી વધુ ડ્રોન અને મિસાઇલ્સ હુમલા કર્યા છે. ઈઝરાયલનો દાવો છે કે તેણે ૯૯% જેટલા મિસાઇલ્સ અને ડ્રોન્સ ખતમ કરી નાખ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદૂત ગિલાદ એર્દોને કહ્યું કે, આ હુમલાઓએ તમામ સીમાઓ ઓળંગી દીધી છે. ઈઝરાયલને તેનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.
તેવું પણ જાણવા મળ્યું છે કે, તે મિસાઇલ્સ અને ડ્રોન વિમાનો અમેરિકા અને બ્રિટન તથા ફ્રાંસની ત્યાં રહેલી ટુકડીઓએ મારી હટાવ્યા હતાં.
દરમિયાન રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાને ચેતવણી આપી છે કે, તે ઈરાન-ઈઝરાયલ મામલામાં દખલ ન કરે. જો ઈઝરાયલ દ્વારા કરાતા કાઉન્ટર એટેકમાં જો અમેરિકા સાથ આપશે કે કોઈ પણ રીતે મદદ કરશે તો રશિયા હાથ જોડીને બેસી નહીં રહે અમે ખુલ્લે આમ ઇરાનના સમર્થનમાં ઊભા રહેશું.
આ સાથે તે સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે. એક તરફ ઈઝરાયલ તરફે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ સહિત નાટો રાષ્ટ્રો છે તો બીજી તરફ રશિયા અને તેની સાથે ચીન તથા ઉત્તર કોરિયા પણ ઈરાન સાથે ઊભાં રહ્યાં છે.
નિરીક્ષકો સ્પષ્ટત: કહે છે, રશિયા- ચાયના – ઉ.કોરિયા અને ઈરાન મળી ધરી રચી ધરી રાષ્ટ્રો બની ગયા છે તો બીજી તરફ અમેરિકા-બ્રિટન અને ફ્રાંસના સાથી રાષ્ટ્રો ઈઝરાયલ તરફે રહ્યા છે. દુનિયા કોલ્ડ-વોરના યુગમાં પ્રવેશી રહી છે. તે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. અત્યારે તો પરિસ્થિતિ એટલી હદે હાથ બહાર ગઈ છે કે, ભારત, બ્રાઝિલ કે સાઉથ આફ્રિકા કે તાન્ઝાનિયા જેવા નોન-એલાઇન્ડ-મુવમેન્ટ (નામ)ના અગ્રીમ દેશો પણ આ યુદ્ધ અટકાવવા સમર્થ હોય તેમ લાગતું નથી. ફરી કોલ્ડ-વોર અને તેમાંથી જો હૉટ-વોર જાગશે તો વિશ્વ ફરી ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફસાઈ જશે તે આશંકા ફગાવી શકાય તેમ નથી.