Yair Lapid Target Pm Netanyahu : ઈરાને કરેલા હુમલા બાદ ઈઝરાયેલ ભલે વળતો પ્રહાર કરવા માટે બાંયો ચઢાવી રહ્યુ હોય પણ ઈઝરાયેલના વિરોધ પક્ષો વડાપ્રધાન નેતાન્યાહૂથી ખફા છે.
વિપક્ષના નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડે કહ્યુ છે કે, ‘ઈઝરાયેલ પર ઈરાને કરેલો હુમલો એક અભૂતપૂર્વ ઘટના છે. નેતાન્યાહૂએ ઈઝરાયેલની પોતાનો બચાવ કરવાની ક્ષમતાને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. ‘
સોશિયલ મીડિયા પર લેપિડે જણાવ્યુ છે કે, ‘નેતાન્યાહૂ સરકારના કબ્જા હેઠળના વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઈનના લોકો સામે જે પ્રકારે હિંસા આચરવામાં આવી હતી તે નેતાન્યાહૂના નિયંત્રણ બહાર હતી. 2022માં અન્ય પાર્ટીઓના ટેકાથી સત્તા મેળવનારા નેતાન્યાહૂએ ઈઝરાયેલ માટે વિનાશકારી નિર્ણયો લીધા છે. ઈઝરાયેલમાં વહેલી તકે ચૂંટણી કરાવવામાં આવે તે બહુ જરુરી છે. ‘
લેપિડે નેતાન્યાહૂ પર સીધા પ્રહારો કરતા જણાવ્યુ છે કે, ‘વેસ્ટ બેન્કની તેમજ ઈઝરાયેલની વર્તમાન સ્થિતિને જોતા નેતાન્યાહૂની સરકારને હટાવવાનો સમય આવી ગયો છે. જો આ સરકારને હટાવવામાં નહીં આવે તો ઈઝરાયેલમાં તેના કારણે વિનાશ સર્જાશે. ‘
ઉલ્લેખનીય છે કે, સાત ઓકટોબરે હમાસે કરેલા હુમલા બાદ ઈઝરાયેલની સેના હાલમાં પણ ગાઝામાં જંગ લડી રહી છે અને તેમાં હવે ઈરાન સાથે પણ ઈઝરાયેલે બાથ ભીડી છે. આમ ઈઝરાયેલને અત્યારે બે મોરચે જંગ લડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.