અમદાવાદ, સોમવાર
કાલુપુર વિસ્તારમાં પડોશીએ ઘરમાં ઘૂસી મહિલાની છેડતી કરી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો સામે પક્ષે પડોશીએ મકાન ખાલી કરવા માટે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરી હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે બન્ને પક્ષે સામ-સામે પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ છેડતીની ફરિયાદ કરી પડોશીએ મકાન ખાલી કરવા મારા મારી કર્યાની ફરિયાદ કરતાં પોલીસે બન્ને પક્ષે પાંચ લોકો સામે ગુનો નોંધ્યો
કાલુપુર વિસ્તારમાં રહેતી મહિલાએ તેમની પાડોશમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતા શખ્સ સાથે સિલાઇ કામનો વ્યવસાય કરતા હતા. પરંતુ ત્રણ મહિના પહેલા અસભ્ય વર્તન કરતા વ્યવસાય બંધ કરી દીધો હતો. આજે સવારે મહિલા ઘરમાં સૂતી હતી તે સમયે પાડોશી શખ્સે ઘરમાં આવીને મહિલાની છેડતી કરતા મહિલાએ તેને ધક્કો મારીને ભગાડવાનો આક્ષેપ કરતી ફરિયાદ મહિલાએ કરી હતી.
બીજીતરફ યુવકે પડોશીમાં રહેતા પરિવારના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ત્રણ મહિના પહેલા પડોશી મહિલાએ તેમની સામે છેડતી કરી હોવાનું કહેતા તકરાર થઇ હતી. જે તે સમયે સગા સબંધી દ્વારા વચ્ચે પડીને સમાધાન થઇ ગયું હતું ત્યારબાદ મકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. આજે સવારે મકાન ખાલી કરવા બાબતે પડોશી દ્વારા તકરાર કરવામાં આવી હતી. જેને લઇને ફરિયાદી સાથે ચાર લોકોએ મારા મારી કરીને માથામાં બેટ અને કપાળમાં પથ્થરથી ઇજા કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે દરિયાપુર પોલીસે બન્ને પક્ષે સામ-સામે પાંચ લોકો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.