Image Source: Twitter
Jairam Ramesh: કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે સતત ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે, હજું પણ કેટલીક બેઠકો પરથી ઉમેદવારો જાહેર કરવામાં નથી આવ્યા. એવી જ બે બેઠકો રાયબરેલી અને અમેઠી છે. ઉત્તર પ્રદેશની આ બે બેઠકોને એક સમયે ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવતો હતો. જોકે, 2019ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી બીજેપીને જીત મળી હતી અને કોંગ્રેસની હાર થઈ હતી. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા.
રાહુલ ગાંધીએ 2019માં વાયનાડથી ચૂંટણી લડી હતી જ્યાંથી તેમને જીત મળી હતી. બીજી તરફ રાયબરેલીથી સોનિયા ગાંધીને જીત મળી હતી પરંતુ હવે તેઓ રાજ્યસભા સદસ્ય છે. આવી સ્થિતિમાં હવે બંને જ બેઠકો ગાંધી પરિવારના હાથમાં નથી રહી. આ જ કારણ છે કે, હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે, આ વખતે બંને બેઠકો પરથી કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે. અમેઠી-રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવા અંગે જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને પૂછવામાં આવ્યું તો તેમણે પોતે જ તેનો જવાબ આપ્યો છે.
અમેઠી-રાયબરેલી બેઠક પરથી કોણ હશે ઉમેદવાર?
જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે અમેઠી-રાયબરેલી બેઠક પરથી કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઉમેદવારો અંગે કોંગ્રેસ ચૂંટણી સમિતિ (CEC) નિર્ણય કરશે. અમે લોકો ઈચ્છીએ છીએ કે રાહુલ અને પ્રિયંકા ગાંધી અમેઠી-રાયબરેલીથી ચૂંટણી લડે. કોંગ્રેસ સંગઠન પણ એવું જ ઈચ્છે છે. અમને આશા છે કે તે અહીંથી ચૂંટણી લડશે. રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી પણ નોંધાવી દીધી છે.
કોંગ્રેસ નેતાએ એક સર્વેમાં પાર્ટીને મળી રહેલી કરારી હાર અંગે કહ્યું કે, તે હકીકતથી દૂર છે. તેમણે કહ્યું કે, દેશમાં પરિવર્તનની હવા છે કારણ કે, બંધારણ જોખમમાં છે. કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળશે. વડાપ્રધાન મોદીનું 400 પારનું સૂત્ર બંધારણ બદલવા માટે છે. જયરામે કહ્યું કે પીએમ મોદી મોટી મોટી વાતો કરે છે પરંતુ યુવા રોજગાર અને ખેડૂત એમએસપીના સવાલ ઉઠી રહ્યા છે. લોકો દસ વર્ષના અન્યાયકાળથી પરેશાન થઈ ગયા છે.