આજે રાજકોટમાં ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરવાના મૂડમાં : મોરબીમાં રૂપાલાની સભા પૂર્વે જ પોસ્ટર વિકૃત કરાયું,અસંખ્ય બેનર્સ પણ બગાડયા : જાગૃતતાપૂર્વક મોદીની તસ્વીરોમાં ડાઘ લાગવા દેવાયો નહીં  : પદ્મિનીબાનો ઓડિયો વાયરલ- 19 સુધીની રાહ  શુ કામ જોવી : રૂપાલા ફોર્મ ભરે છે ત્યારે જ ઉગ્ર વિરોધ કરવો જોઈએ

રાજકોટ, :  ક્ષત્રિયો રૂપાલાને માફ કરી દે તે માટે સમજાવવામાં ભાજપના ક્ષત્રિય નેતાઓ, રાજવીઓ, સરકાર અને સત્તાધીશો, રાજકીય કૂટનીતિથી માંડીને સંતોને પણ નિષ્ફળતા મળી છે અને બીજી તરફ રાજકોટના ઉમેદવાર બદલવા ભાજપે હજુ કોઈ સંકેત આપ્યો નથી ત્યારે ઘર્ષણ નિશ્ચિત બન્યું છે. આજે સાંજે મોરબીમાં પરસોતમ રૂપાલાની જાહેરસભા યોજાય તે પહેલા જ તેના બેનરો ફાડવામાં આવ્યા હતા અને સભાસ્થળે તેના વિશાળ કદના પોસ્ટરમાં ચહેરો બગાડી નાંખવામાં આવ્યો હતો.તો બીજી તરફ સંકલન સમિતિ સામે ક્ષત્રાણીઓએ સવાલ ઉઠાવીને રતનપરના મહાસંમેલન સાથે જ ઉગ્ર કાર્યક્રમો જાહેર કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. 

મોરબીમાં ઠેરઠેર રૂપાલાના પોસ્ટર પર સ્યાહીનો પીંછડો મારી દેવાયો છે અને તેની બાજુમાં જ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર પર સ્યાહીનો ડાઘ ન પડે તેની ખાસ તકેદારી પણ લેવાઈ છે. મોરબી રાજકોટ હાઈવે તથા ભક્તિનગર સર્કલ સહિત અનેક વિસ્તારમાં કેટલાક લોકોએ પોસ્ટરો ફાડયા હતા.

દરમિયાન ગઈકાલે ક્ષત્રિયોને પોતાની શુ તાકાત છે તેનો અહેસાસ રતનપરના ઐતહાસિક મહાસંમેલનમાં  થયો હતો જેમાં ૭૫ વર્ષના ઈતિહાસમાં સર્વાધિક ક્ષત્રિયો એક સ્થળે અને તે પણ માત્ર ત્રણ દિવસની તૈયારીમાં એકત્ર થયા હતા. ૨૨ એકર જમીન પર આશરે ૨ લાખ લોકો ઉપરાંત હજારો લોકો ચાર કલાક બાદ સભા પૂરી થઈ ત્યાં સુધી સભાસ્થળ નજીક ટ્રાફિક જામને કારણે પહોંચી શક્યા ન્હોતા તો આજે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યા મૂજબ સુરત, કચ્છ, વડોદરા સહિત અનેક સ્થળેથી આવેલા ક્ષત્રિયોને ટ્રાફિક જામને લીધે છેક સવારે ઘરે પહોંચ્યા હતા.

સંમેલનમાં વક્તાઓએ આક્રોશભેર અમે ખપી જશુ પણ રૂપાલા તો નહીં જ ખપે, મારશું કે મરશું તેવી વાત થઈ પણ ક્ષત્રાણીઓને આવી વાતને વ્યવહારમાં લાવવામાં અને અસ્મિતા માટે નક્કર કાર્યક્રમોમાં જ રસ છે. આ અન્વયે  આજે ક્ષત્રિય અગ્રણી મહિલા પદ્મિનીબા વાળાનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે કોર કમિટિને સંબોધીને જણાવ્યું કે તા.૧૯ પછી આંદોલન પાર્ટ-૨ શરૂ થશે પણ  આટલા દિવસ રાહ શા માટે જોવી જોઈએ, આવતીકાલે રૂપાલા ફોર્મ ભરવાના છે તેમને ફોર્મ ભરવા ન દેવું જોઈએ. રૂપાલા રાજકોટમાંથી ફોર્મ ભરે અને અમે ચૂપ રહીએ તે ચાલે નહીં. એકંદરે ક્ષત્રિયોની સંકલન સમિતિના સભ્યો જો આંદોલનને ઢીલુ પાડે તો તેમને પણ સાઈડલાઈન કરીને કાર્યક્રમો અપાય તેવી શક્યતા આજે જોવા મળી છે. 

ભાજપને ક્ષત્રિય આગેવાનોએ તા. 19 સુધીનુ અલ્ટીમેટમ આપ્યું છે અને ત્યારબાદ રાજ્યવ્યાપી અને દેશવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે પરંતુ, અનેક ક્ષત્રિય આગેવાનો,રાજપૂતાણીઓ તો તા.19 સુધી પણ રાહ જોવા કે બેસી રહેવાના મુડમાં નથી તેમ પણ જાણવા મળ્યું છે. આવતીકાલે રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરાય તેવી શક્યતા છે.  વિક્રમજનક મેદની સમક્ષ ગઈકાલે ભાજપના ઉમેદવારને રૂપાલા ન હટે ત્યાં સુધી કોઈ પણ સમર્થન નહીં આપવા, સાથે નહીં જવા અપીલ કરાઈ હતી ત્યારે આવતીકાલે રૂપાલા સહિત ઉમેદવારો ફોર્મ ભરે ત્યારે કેટલા ક્ષત્રિય નેતાઓ હાજર રહે છે તેના પર બન્ને પક્ષોની નજર રહેશે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *