જાંબુઘોડા તાલુકામાં ચોમાસાની વિદાય બાદ હવે ડાંગર પાકી જતાં ખેતરોમાં ડાંગરના પાકની લણણીનું કામ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે. હાલ તાલુકામાં ડાંગરનો મબલખ પાક જોવા મળે છે.
તાલુકાના રામપુરા, નાથપુરી, જોટવડ, ફૂલપરી, કરા સહિતના ગામોમાં ડાંગર કાપવાની શરૂઆત થઈ ચૂકી છે, આ વિસ્તારમાં ડાંગર મબલખ પ્રમાણમાં તૈયાર થઈ છે. હાલ દિવાળી પર્વની શરૂઆત પણ થઈ ચૂકી છે, તેમ છતાં ડાંગર તૈયાર થઈ ગઈ હોઈ ધરતીપુત્રોને તેને કાપીએ જ છૂટકો હોઈ હાલ સમગ્ર પંથકના ધરતીપુત્રો ડાંગર કાપવાની કામગીરીમાં જોતરાયેલા જોવા મળે છે. ખેતરોમાં સવારથી મોડી સાંજ સુધી ખેતરોમાં ખેડૂતો તેમજ ખેત મજૂરો દ્વારા ડાંગરની કાપણીની કામગીરી થતી જોવા મળે છે. જાંબુઘોડા નગરના બજારો પણ સુમસામ જોવા મળે છે, કારણકે સવારે ખેડૂતો તેમના પરિવાર સાથે વહેલા ઉઠી ડાંગરની કાપણીની શરૂઆત કરી દેતાં હોય છે. પંથકના ધરતી પુત્રોને ડાંગર સિવાયના અનેક પાકમાં વ્યાપક નુકસાન થયું હોઈ હાલ તેઓ માટે ડાંગરનો પાક ખૂબ જ ઉપયોગી બની રહ્યો છે. પાછોતરા વરસાદમાં કેટલાક ખેતરોમાં ભરપૂર પાકના કારણે તેના વજનને લઈ વાવાઝોડા સાથે આવેલા વરસાદને કારણે ડાંગરના છોડ જમીનદોસ્ત થઈ ગયા હતાં. જેથી ધરતીપુત્રોને પડતા પર પાટુ જેવો ઘાટ થયો હતો.