શહેરાના મોર ઊંડારા પાસે પસાર થતી પાનમ નદી પરનો કોઝવે નદીમાં પાણી વધારે આવવાથી તૂટી જતા અવરજવર સંપૂર્ણ બંધ થઈ છે. આ ગામ સહિત આજુબાજુના દસ ગામના લોકોને લુણાવાડા જવા માટે 10 કિલોમીટર ફરીને જવું પડતું હોય ત્યારે આ કોઝવે ની મરામત કરવામાં આવે એવી માંગ ગ્રામજનો માંથી ઉઠી રહી હતી.
શહેરા તાલુકાના મોર ઊંડારા ગામથી રમજીની નાળ થઈને લુણાવાડા તરફ્ જવાનો ટૂંકો માર્ગ હોવાથી આ ગામ સહિત આજુબાજુના ગામના ગ્રામજનો આ રસ્તે અવર-જવર કરવા સાથે સમયનો પણ તેઓનો બચાવ થતો હતો. ચોમાસા દરમિયાન પાનમ નદીમાં પાણી આવવાના કારણે નદી પરનો આ કૉઝવે વચ્ચેથી તૂટી જતા વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી.
મોર ઊંડારા તેમજ આજુબાજુ ગામના ગ્રામજનો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ની ખરીદી કરવા માટે તેઓ લુણાવાડા જતા હોય જેથી આ પાનમ નદી પરનો કોઝવે તૂટી જવાના કારણે વાહન ચાલકોને બીજા રસ્તે 10 કિલોમીટર ફરીને લુણાવાડા અવરજવર કરવી પડતી હોવાથી સબંધિત તંત્ર દ્વારા આ કોઝવે ની મરામત વહેલી તકે કરવામાં આવે એવી માંગ આ વિસ્તારના જાગૃત ગ્રામજનો કરી રહ્યા હતા.
જ્યારે વાહન ચાલક દિલીપ બારીઆ એ જણાવ્યું હતું કે આ નાનો પુલ તૂટી જતાં અમારે 10 કિલોમિટર વધારે ફરીને લુણાવાડા જવું પડતું હોય છે. આ નદી પરનો નાનો પુલ તૂટી ગયેલ ખાસા દિવસો થયા તેમ છતાં આની કામગીરી કરવામાં આવી નથી જેથી હું અને મારા ગામના લોકોને સાથે રાખીને જીલ્લાની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરાશે.