અમદાવાદ,શનિવાર
નારોલમાં ૧૨ વર્ષમાં પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે મનમેળ આવતો ન હોવાથી પત્ની છેલ્લા ત્રણ વર્ષથી પિયરમાં રહેતી હતી. ગઇકાલે પતિ નારોલમાં દીકરીને રમાડવા માટે ગયો હતો જ્યાં પત્ની અને સાસુએ તકરાર કરીને માર માર્યો હતો અને સાળાએ લાકડા દંડાના ફટકા મારીને હત્યા કરી હતી. આ ચકચારી ઘટનામાં નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી પત્ની પિયયરમાં રહેતી હતી, સાળાએ દંડાથી મારતા બાવડું તૂટી ગયું, પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
નારોલમાં રહેતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના 35 વર્ષીય ભાઇના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા. જેમાં લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન આવતા છેલ્લા ત્રણ વર્ષથી પત્ની પિયરમાં રહેતી હતી, તા. ૧૨ના રોજ યુવક તેની પુત્રીને રમાડવા નારોલનામાં તેની સાસરીમાં ગયો હતો. જ્યાં પતિ અને પત્ની વચ્ચે તકરાકર થઇ હતી. યુવકની સાસુ અને પત્નીએ ઝઘડો કરીને માર માર્યો હતો. ત્યાં થોડી વારમાં સાળો આવી પહોચ્યો તેને પણ બનેવીને છાતીમાં અને માથામાં તથા હાથ અને પગમાં લાકડાના દંડાથી માર મારીને બાવડું તોડી નાંખીને લોહી લુહાણ કરી દીધો હતો.
ઢોર મારના કારણે ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ફરિયાદી તાત્કાલીક નોકરીથી રાણીપુર ગામ આવી પહોચ્યો હતો. ત્યારે જાયું તો તેમનો ભાઇ જમીન પર મૃત હાલતમાં પડયો હતો. આ ઘટનાની જાણ કરાતા નારોલ પોલીસ ઘટના સ્થળે પહોચીને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.