અમદાવાદ,રવિવાર
બોડકદેવમાં રહેતી મહિલાને વિધર્મી યુવકે પોતાના સલુનના ધંધામાં ભાગીદાર બનાવી હતી. એક દિવસ મહિલા અને તેનો ભાગીદાર સલુનમાં એકલા હતા તે સમયે મહિલાની તબિયત લથડતા શખ્સે દવાના બહાને કેફી પીણું પીવડાવી બેહોશ કરી હતી. જે બાદ મહિલા સાથેે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ લગ્ન કરવાની લાલચ આપી અને ફોટા અને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફોટા- વિડીયો વાઇરલની ધમકી આપી દુષ્કર્મ કર્યું ઃ યુવતી આરોપીના ઘરે જતાં લગ્નનો ઇન્કાર કર્યો
બોડકદેવમાં ભાડે રહેતી ૩૩ વર્ષીય મહિલા વર્ષ ૨૦૨૧માં તે અમદાવાદમાં આવી હતી ત્યારે તેની મિત્રતા વસ્ત્રાપુરમાં સલુન ધરાવતા વિધર્મી યુવક સાથે થઈ હતી. તેણે મહિલાને નોકરી પર રાખ્યા બાદ ભાગીદાર બનાવી હતી. એક દિવસ સાંજના સમયે મહિલા સલુનમાં હાજર હતી અને તેની તબિયત ખરાબ હોવાથી આરોપીએ દવાના નામે કેફી પદાર્થ પીવડાવ્યું હતું, જેથી મહિલા બેભાન થતા આરોપીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને ફોટા તથા વિડીયો પણ બનાવી લીધા હતા. ત્યારબાદ મહિલાને હોશ આવતા આરોપીએ લગ્ન કરવાની વાત કરી હતી.
થોડા દિવસ પછી યુવકે મહિલાને બોલાવીને ફોટા અને વિડીયો વહેતા કરવાની અને લગ્નની લાલચ આપીને અવાર નવાર દુષ્કર્મ ગુજારતો હતો. એક દિવસ મહિલા સાથે તકરાર થતા મહિલા તેના ઘરે પહોંચી ગઈ હતી ત્યારે યુવકની પત્નીએ પણ મહિલા સાથે ઝઘડો કર્યો હતો. એટલુ જ નહીં તેમણે મહિલા સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરીયાદ પણ નોંધાવી હતી. થોડા સમય પછી આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે