Gippy Grewal Struggle Story: પંજાબી સિંગર અને એક્ટર ગિપ્પી ગ્રેવાલ આજે ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. પરંતુ અહીં સુધી પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે. ગિપ્પીનું આખું નામ રુપિન્દર સિંહ ગ્રેવાલ છે, જેનો જન્મ 2 જાન્યુઆરી 1983ના રોજ પંજાબના લુધિયાણા પાસેના કૂમ કલાન ગામમાં થયો હતો. તેના પિતા એન્જિનિયર હતા અને પરિવારના દબાણમાં તેમણે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને 1999માં દિલ્હી ગયો. ત્યારબાદ હોટેલમાં વેઈટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
અમે કેનેડામાં નાના મોટા કામો કર્યા
ગિપ્પી ગ્રેવાલ કહે છે કે મારું કરિયર સેટ કરવામાં મારી પત્ની રવનીતની મહત્ત્વ ભૂમિકા રહી છે. તેમજ મ્યુઝિકમાં કરિયર બનાવવા માટે હું એક સાથે ત્રણ નોકરી કરતો. વધુ આવક ન હતી તેમજ પંજાબમાં ઘણા એવા ગાયકો છે જેમના પર કંપનીએ રોકાણ કરવાનું બંધ કરી દીધું હતું. આલ્બમ્સ ખૂબ મોંઘા થઈ ગયા હતા. દરેક કલાકારને કહેવામાં આવતું હતું કે તમે પ્રતિભાશાળી છો, પરંતુ કંપની રોકાણ કરતી નહિ. આથી તે એક સમસ્યા બની ગઈ હતી.
તેમજ તે સમયે ઘરેથી પૈસા લેવાનો કોઈ રિવાજ નહોતો. તેથી મેં વિચાર્યું કે જો મારે કંઈક બનવું હોય તો મારે જાતે જ કમાવવું પડશે. મારી પત્નીએ મને સાથ આપ્યો. મારી પત્નીએ એક સાથે 3 નોકરીઓ પણ કરી હતી. કેનેડામાં પરિવારનું ભરણપોષણ કરવા માટે અમે ખૂબ જ મહેનત કરી હતી. હું પણ 3 નોકરી કરતો હતો. જેમાં હું સવારે લોકોના ઘરે અખબારો પહોંચાડતો હતો.
ત્યારપછી હું એક ઈંટો બનાવવાના કારખાનામાં 8-9 કલાક કામ કરતો હતો. તે ખૂબ જ મુશ્કેલ કામ હતું. તેના પછી રાત્રે એક મોલમાં ફૂડ કોર્ટમાં હું અને મારી પત્ની સફાઈનું કામ કરતા. જેમાં કચરા, પોતા અને વાસણ પણ ધોતા. જયારે હું દિવસે કારખાનામાં કામ કરતો ત્યારે મારી પત્ની સબવેમાં સેન્ડવીચ બનાવવાનું કામ કરતી હતી અને બાકીના કામો અમે સાથે મળીને કરતા હતા. એ સમયે હું પૈસા કમાવવા માટે જે કઈ કામ કરતો તેમાં મને ખુશી મળતી મને કોઈપણ કામ કરવામાં શરમ ન હતી કારણ કે મારું ધ્યાન ફક્ત,મારા લક્ષ્ય એટલે કે સંગીત પર જ હતું.
આ પણ વાંચો: આલિયા ભટ્ટની આગામી ફિલ્મ જિગરાનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો
નાનપણથી સંગીત અને નાટકમાં રસ
ગિપ્પી ગ્રેવાલને બાળપણથી જ સિંગિંગ અને એક્ટિંગનો શોખ હતો અને આ કારણે તે કેટલાક શો પણ કરતો હતો. તેણે ધીમે ધીમે આલ્બમ બહાર પાડવા માટે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. જ્યારે તેની પાસે પૈસા હતા ત્યારે તે ભારત આવ્યો અને મ્યુઝિક કંપનીઓને મળવાનું શરુ કર્યું. પણ ઘણા વર્ષો સુધી માત્ર નિરાશા જ મળી હતી. એકવાર તો એક ડિરેક્ટરે તેને એક આલ્બમ શૂટ કરવાનું કહ્યું હતું. તેણે લુધિયાણા આવીને આલ્બમનું શૂટિંગ કર્યું. પરંતુ જ્યારે તે શૂટ બાદ દિલ્હી પાછો ગયો ત્યારે ડિરેક્ટરે તેને ઓળખવાની ના પાડી દીધી.
પહેલા સિંગર અને પછી એક્ટર બન્યો
ગિપ્પીને સૌથી પહેલા ‘ચક્ખ લાઈ’માં ગાવાનો મોકો મળ્યો હતો. જ્યારે આ આલ્બમ હિટ થયું ત્યારે તેણે પાછળ વળીને નથી જોયું. પંજાબી ઈન્ડસ્ટ્રીમાં હિટ બનેલા ગાયકોને જ ફિલ્મોમાં કામ કરવાની તક મળે છે. 2010માં તેને પહેલીવાર ‘મેલ કરાદે રબ્બા’માં કામ કરવાની તક મળી.
આ પછી તેની બીજી હિટ ફિલ્મ ‘જિહને મેરા દિલ લુટિયા’ આવી અને 2012માં તેણે પોતે ‘કેરી ઓન જટ્ટા’ પ્રોડ્યુસ કરી હતી. જે પંજાબી ઈન્ડસ્ટ્રીની સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ. તે પછી 2018માં ‘કેરી ઓન જટ્ટા 2’ બની, જેણે બોક્સ ઓફિસ પર 60 કરોડ રૂપિયાની કમાણી કરી. આજે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક પછી એક હિટ ગીતો આપી રહ્યો છે.