અમદાવાદ,શનિવાર, 13 એપ્રિલ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેકસ રીબેટ
યોજના શરુ કરવામાં આવી છે.૯ એપ્રિલથી શરુ કરવામાં આવેલી આ યોજના હેઠળ અત્યાર
સુધીમાં તંત્રને રુપિયા ૫૩.૯૩ કરોડથી વધુની આવક થવા પામી છે.૪૭ હજારથી વધુ
કરદાતાઓએ રુપિયા ૩૫ કરોડથી વધુનો ટેકસ ઓનલાઈન ભર્યો છે.
વર્ષ-૨૦૨૪-૨૫નો એડવાન્સ ટેકસ ભરનારા કરદાતાને ૧૨ ટકા રીબેટ
આપવામાં આવે છે.ઓનલાઈન ટેકસ ભરનારા કરદાતાને એક ટકો વધુ રીબેટ આપવામાં આવે છે.સતત
ત્રણ વર્ષથી ઓનલાઈન ટેકસ ભરનારા કરદાતાને પંદર ટકા સુધીનુ રીબેટ આપવામાં આવે છે.૯
એપ્રિલથી શરુ કરવામાં આવેલી એડવાન્સ ટેકસ રીબેટ યોજના અંતર્ગત ચાર દિવસના સમયમાં
કુલ ૬૯,૦૩૧
કરદાતાઓ દ્વારા રુપિયા ૫૩.૯૩ કરોડનો ટેકસ ભરવામાં આવ્યો હતો.શરુ થયેલા નવા
નાણાંકીય વર્ષમાં મ્યુનિસિપલ તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે રુપિયા ૬૨.૭૨ કરોડ, પ્રોફેશન ટેકસ
પેટે રુપિયા ૧૦.૯૪ કરોડ તથા વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૭.૬૪ કરોડ તથા ટીએસએફ ચાર્જ
સહિત કુલ રુપિયા ૮૨.૦૧ કરોડની આવક થવા પામી છે.