નગર પાલિકા કચેરીએ વેપારીઓ અને કોંગી આગેવાનો ધસી ગયા : 3 વર્ષથી ખખડધજ રોડ અને ઉભરાતી ગટરની સમસ્યાને ધ્યાને નહીં લેતાં નિંભર તંત્રવાહકોને જગાડવા માટે ઢોલ – નગારા વગાડીને આક્રોશ ઠાલવાયો
મોરબી, : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ખરાબ રોડ અને ભુગર્ભના પ્રશ્ને આજે વેપારીઓ અને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરીમાં નિંભર તંત્રવાહકોને જગાડવા માટે ઢોલ વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નવા ડેલા રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અનેક વાહનચાલકો આ ખાડામાં પડી ગયા હતા. આ ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન છે. અહી ભૂગર્ભ પણ છલકાઈ રહી છે. જે બાબતે અનેક વખત નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે. પાલિકા દ્વારા માત્ર મોરમ નાખીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. જો રોડ ઊંચો કરવામાં આવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ શકે તેમ છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
આ દરમિયાન હાલ ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઇ જતાં સ્થાનિક વેપારીઓની ધીરજ ખુંટી ગઈ હતી. જેથી આજે વેપારીઓએ કોંગ્રેસને સાથે રાખીને ઢોલ-નગારા વગાડીને મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ચીફ ઓફિસર હાજર ન હોય. જ્યાં સુધી ચીફ ઓફિસર ન આવે ત્યાં સુધી બેસી રહેવા એલાન કરવામાં આવ્યું હતું. અહીં પણ ઢોલ-નગારા વગાડીને નિંભર તંત્રવાહકોને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં વહેલીતકે યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડયો હતો.
આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વેપારીઓ અને આગેવાનોએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી જૂના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં ગટરના પાણી ભરાય છે. બે-બે ફૂટના ખાડા પડી ગયા છે. અનેક વખત અગાઉ અરજીઓ આપી છે. પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. મોરબી શહેરના રસ્તાઓની આવી હાલત હોય આજે તંત્રવાહકોને જગાડવા માટે ઢોલ-નગારા સાથે નગરપાલિકા કચેરીએ આવ્યા છીએ. અહીંયા લોકપ્રશ્નો સાંભળવા કોઈ હાજર હોતું નથી. તંત્રવાહકો માત્ર વાતો કરવાના બદલે પ્રજાના પ્રશ્નોનું નક્કર સમાધાન કરે તેવી માગ છે.