રાજકોટની ઝનાના હોસ્પિટલમાં બાળકનાં મોત અંગે ગુનો નોંધાયો : વોર્ડની નર્સ અને નર્સીંગ છાત્રાની બેદરકારીને કારણે બાળકે જીવ ગુમાવવો પડયો હતો
રાજકોટ, : મુળ બિહારનાં પશ્ચીમ ચંપારણ જિલ્લાનાં અને હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે રહેતા વિરેન્દ્ર કુશવાહનાં સાડા પાંચ મહિનાંના પુત્ર રાજનું બેદરકારી દાખવી, મોત નિપજાવવા અંગે રાજકોટની ઝનાના હોસ્પિટલની નર્સ એકતા કિશોરભાઈ રાઠોડ અને નર્સિંગના છાત્ર પિન્ટુ સુરેશભાઈ ફાંગલીયા વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિરેન્દ્રભાઈ ગોંડલમાં વેલ્ડીંગ કામ કરે છે. તેને સંતાનમાં બે – પુત્ર હતાં. જેમાંથી નાના રાજને ન્યુમોનિયા અને ટી.બી. થઈ જતાં ગોંડલની હોસ્પિટલમાં સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માંટે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં ડોકટરો તેને મોઢાના માસ્ક વડે દરરોજ ત્રણ વખત ઈન્જેકશન આપતા હતાં.
ગઈ તા. 4 જુલાઈનાં રોજ બપોરે તેને મોઢાનાં માસ્કને બદલે ડાબા પગની નસમાં ઈન્જેકશન આપી દેવાતા તેની તબીયત લથડી હતી. જેથી પીઆઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો હતો. જયાં બે દિવસ બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યું નિપજયું હતું.
આ કેસમાં તબીબી બેદરકારીનો આક્ષેપ થતાં એ.ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રાજને આનંદ કોલેજનાં નર્સિંગનાં છાત્ર પિન્ટુ અને વોર્ડમાં નર્સ તરીકે નોકરી કરતી એકતાએ બેદરકારી દાખવી મોઢાનાં માસ્કને બદલે સીધુ પગની નસમાં ઈન્જેકશન આપી દેતા મોત નિપજયું હતું. આ માહિતીનાં આધારે બન્ને વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસે મૃતક રાજની માતા સોનમકુમારીની ફરીયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો.