Ahmedabad Weather Change: ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો અંબાજી અને દ્વારકામાં પણ આજે વરસાદ પડ્યો હતો. આ વચ્ચે હવે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદ શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. જેને લઈને વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
અમદાવાદમાં ભયંકર ધૂળની ડમરીઓ ઉડતા રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તો બીજી તરફ એવા પણ સમાચાર છે કે, અમદાવાદના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો.
અમદાવાદથી લઈને ગાંધીનગર સુધી ધૂળિયું વાતાવરણ
અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે, સોલા, થલતેજ, રાણીપ, સાયન્સ સિટી, ગોતા, ચાંદખેડા, પકવાન, બોપલ, ઘૂમાથી લઈને ગાંધીનગર સુધીના વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈને સમગ્ર વાતાવરણ ધૂળિયું જોવા મળ્યું હતું.
સતત બીજા દિવસે કમોસમી વરસાદ, પાકને નુકસાનની ભીતિ
અસહ્ય ઉકળાટ બાદ દ્વારકા, અમરેલી, કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શનિવારે રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભરઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 14મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા કચ્છના વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો 15મી એપ્રિલે સાબરકાંઠા મહીસાગર, અરવલ્લી અને દાહોદમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે.