Unemployed Even After Passing IIT: દેશમાં બેરોજગારીનો પ્રશ્ન પ્રતિદિન વિકરાળ બનતો જાય છે. અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓ તો છોડો, IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક થનારને પણ નોકરી નથી મળતી. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પ્લેસમેન્ટ રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે.
શું કહે છે આંકડા?
તાજેતરમાં અહેવાલ આવ્યો છે કે દેશની 23 IIT માં 2024 ના શૈક્ષણિક વર્ષમાં પાસ થયેલા કુલ 21,500 વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે કેમ્પસ પ્લેસમેન્ટમાં નામ નોંધાવ્યું હતું, પણ એમાંથી માત્ર 13,410 વિદ્યાર્થીઓ જ નોકરી મેળવી શક્યા છે. 8,090 વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે. બેરોજગારીની ટકાવારી થઈ 37.63!
પ્રતિષ્ઠિત સંસ્થાનું ભણતર છતાં નોકરી નહીં
એક સમય એવો હતો કે IIT માંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીને ફટ કરતાં તગડા પગારની નોકરી મળી જતી, પણ હવે દૃશ્ય બદલાયું છે. તાજેતરમાં આવેલા આંકડા પરથી સાબિત થાય છે કે અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રને પણ હવે બેરોજગારીનો લૂણો લાગવા લાગ્યો છે. આ વર્ષના IIT સ્નાતકોમાં કેમ્પસ પ્લેસમેન્ટ બાદ બેરોજગારીનો દર અગાઉ ક્યારેય નહોતો એટલો ઊંચો છે.
સતત વધતી જતી બેરોજગારી
વર્ષ 2023 અને 2022 માં સ્થિત 2024 જેટલી ખરાબ નહોતી. 2023 માં 20,000 IIT સ્નાતકોએ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 15,830 ને નોકરી મળી ગઈ હતી. એમને સરેરાશ વાર્ષિક 17.1 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું. ગત વર્ષે 4,170 વિદ્યાર્થીઓ કેમ્પસ ભરતી દ્વારા નોકરી નહોતા મેળવી શક્યા. 2022 માં નોકરી માટે રજિસ્ટર્ડ થયેલા 17,900 વિદ્યાર્થીઓમાંથી 3,000 કરતાં વધુને નોકરી નહોતી મળી. આ આંકડો આ વર્ષે વધીને 8,090 થઈ ગયો છે.
આ પણ વાંચો: ‘ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો…’, અખિલેશના નિવેદન પછી યોગીનો વ્યંગ
ભરતી કરતી કંપનીઓની સંખ્યામાં વધારો કે ઘટાડો?
કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા ભરતી કરતી કંપનીઓની સંખ્યામાં પણ આ વર્ષે વધારો થયો છે. ગયા વર્ષે ભાગ લેનાર 324 કંપનીઓ સામે આ વર્ષે 364 સંસ્થાઓએ ભાગ લીધો હતો, જે 12 ટકાનો વધારો દર્શાવે છે.
અન્ય દિશા પકડી સ્નાતકોએ
અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઘણા સ્નાતકોએ નોકરીના બદલે વૈકલ્પિક તકો સ્વીકારી છે. કેટલાક વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ પર પસંદગી ઉતારી છે, તો કેટલાકે સ્વ-રોજગાર/ધંધાર્થી બનવાનું પસંદ કર્યું છે.
IIT બોમ્બેને લગતા આંકડા
મુંબઈ સ્થિત ‘IIT બોમ્બે’ની વાત કરીએ તો નોકરી માટે 2,414 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી લગભગ 75 ટકા એટલે કે 1,475 વિદ્યાર્થીઓ નોકરી મેળવવામાં સફળ રહ્યા હતા અને 939 બેરોજગાર રહ્યા હતા. નોકરી મેળવનારને સરેરાશ CTC (કોસ્ટ ટુ કંપની) 23.5 લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે, જે ગયા વર્ષના સરેરાશ વાર્ષિક 21.82 લાખ રૂપિયા કરતાં 7.7 ટકાનો વધારો દર્શાવે છે.
આ પણ વાંચો: આસામમાં બેન્ક ખાતુ ખોલાવવાના નામ પર 36 હજાર કરોડનું સાયબર ફ્રોડ, ચાર લોકોની ધરપકડ
‘IIT બોમ્બે’ના પ્લેસમેન્ટના વિગતવાર આંકડા
નોંધાયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા: 2,414
સક્રિય સહભાગીઓની સંખ્યા: 1,979
નોકરી સ્વીકારનારની કુલ સંખ્યા: 1,475
ઓફર કરાયેલ નોકરીની કુલ સંખ્યા: 1,650
વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુ પગારની નોકરી મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા: 22
સ્વીકારવામાં આવેલી પ્રી-પ્લેસમેન્ટ ઓફરની સંખ્યા: 258
ઑફર કરાયેલ આંતરરાષ્ટ્રીય નોકરીની સંખ્યા: 78
ફાળવેલ ઑફર્સની સરેરાશ CTC: વાર્ષિક 23.50 લાખ રૂપિયા
સરેરાશ પગાર: વાર્ષિક 17.92 લાખ રૂપિયા
ટોચના ભરતી ક્ષેત્ર: એન્જિનિયરિંગ અને ટેકનોલોજી
પગારધોરણની વિગતો:
વાર્ષિક 20 લાખ રૂપિયાથી વધુ મેળવનારની સંખ્યા: 558
વાર્ષિક 16.75 થી 20 લાખ સુધીનો પગાર મેળવનારની સંખ્યા: 230
વાર્ષિક 14 થી 16.75 લાખ સુધીનો પગાર મેળવનારની સંખ્યા: 227
વાર્ષિક 12 થી 14 લાખ સુધીનો પગાર મેળવનારની સંખ્યા: 93
વાર્ષિક 10 થી 12 લાખ સુધીનો પગાર મેળવનારની સંખ્યા: 161
વાર્ષિક 8 થી 10 લાખ સુધીનો પગાર મેળવનારની સંખ્યા: 128
વાર્ષિક 6 થી 8 લાખ સુધીનો પગાર મેળવનારની સંખ્યા: 68
વાર્ષિક 4 થી 6 લાખ સુધીનો પગાર મેળવનારની સંખ્યા: 10
આ પણ વાંચો: ખેડૂતોની આવક વધારવા માટે મહત્ત્વની યોજના, સમજો સરકારનું ડિજિટલ એગ્રિકલ્ચર મિશન શું છે?
દેશની કુલ IIT ની સંખ્યાઃ 23
2024 માં IIT સ્નાતક થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યાઃ 21,500
કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા નોકરી મેળવનારની સંખ્યાઃ 13,410
બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યાઃ 8,090
બેરોજગારીની ટકાવારીઃ 37.63
2023 માં બેરોજગાર IIT સ્નાતકોની સંખ્યાઃ 4,170
2022 માં બેરોજગાર IIT સ્નાતકોની સંખ્યાઃ 3,000 થી વધુ