– લૈલા મજનુ રી રીલિઝમાં સફળ થતાં નિર્ણય
– ઈમ્તિયાઝ અલીએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો,કલાકારોની જાહેરાતની પ્રતીક્ષા
મુંબઇ : ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લૈલા મજનુ’ તાજેતરમાં છ વર્ષ પછી ફરી રીલિઝ થઈ તો મૂળ રીલિઝ કરતાં પણ બમણું કમાઈ હતી. આ સફળતાથી પ્રોત્સાહિત થઈને હવે ઈમ્તિયાઝ અલીએ ‘લૈલા મજનુ’ના દિગ્દર્શક સાજિત અલી સાથે નવી રોમાન્ટિક ફિલ્મ બનાવવાનો સંકેત આપ્યો છે.
ઈમ્તિયાઝે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને એવો સવાલ કર્યો હતો કે લૈલા મજનુ ઉપરાતં સોહની મહિવાલ, હીર રાંઝ સહિતની પ્રેમી જોડીઓ પર ફિલ્મો બની ચૂકી છે તો હવે નવું શું ?
આ પોસ્ટ પછી દર્શકોએ કોઈ નવી રોમાન્ટિક ફિલ્મની જાહેરાતની અટકળો શરુ કરી છે. ટૂંક સમયમાં ફિલ્મ તથા તેના કલાકારોની ઘોષણા થઈ શકે છે.
ઈમ્તિયાઝ અલીની ‘લૈલા મજનુ’માં તૃપ્તિ ડિમરી તથા અવિનાશ તિવારીએ કામ કર્યું હતું. જોકે, ૨૦૧૮માં આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે બંને પ્રમાણમાં સાવ અજાણ્યાં હતાં. પરંતુ, પાછલાં બે-ત્રણ વર્ષોમાં તેમણે ઓટીટી પર સંખ્યાબંધ પ્રોજેક્ટસમાં કામ કરીને પ્રસિદ્ધિ મેળવી છે. તૃપ્તિ ‘એનિમલ’ ફિલ્મની સમાંતર હિરોઈન તરીકે પણ જાણીતી બની છે.