– કંગના પોતાની ફિલ્મને દેશની એકતા અને અખંડિતતાની આસપાસ ઘૂમતી અને ઐતિહાસિક તથ્યો પર આધારિત ફિલ્મ ગણાવે છે પણ મોદી સરકારને જ આ ઐતિહાસિક તથ્યો માન્ય નથી. કંગના અભિવ્યક્તિની આઝાદીને રૂંધી રહી હોવાનો આક્ષેપ કરી રહી છે. આ કામ તેમની પોતાની જ સરકાર કરી રહી છે. આ સંજોગોમાં ડાબેરીઓ કે સામ્યવાદીઓને ગાળો દેવાની વાત હાસ્યાસ્પદ છે. કંગના જાહેરમાં બળાપો કાઢી રહ્યાં છે તેનો અર્થ એ થાય કે, સરકારમાં રજૂઆત કરીને ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ અપાવવા મથામણ કરી જોઈ પણ સરકારમાં તેમનું કોઈ સાંભળતું જ નથી.
એક્ટ્રેસમાંથી સાંસદ બનેલી કંગના રણૌતની ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત ફિલ્મ ઈમર્જન્સીને સેન્સર બોર્ડે રીલીઝની મંજૂરી ના આપતાં અટવાઈ ગઈ છે. ઈમર્જન્સી નામ પરથી ૧૯૭૫માં લદાયેલી કટોકટી પરની ફિલ્મ લાગે પણ વાસ્તવમાં ઈન્દિરાના જીવન પરની ફિલ્મ છે. ફિલ્મમાં પંજાબના આતંકવાદ અને તેના કારણે થયેલી ઈન્દિરા ગાંધીની હત્યા સહિતની ઘટનાઓને આવરી લેવાઈ છે તેથી સીખ સંગઠનોએ વાંધો લીધો છે.
સીખ સંગઠનોનું કહેવું છે કે, ઈમર્જન્સી ફિલ્મમાં સીખોના ઈતિહાસને વિકૃત્ત રીતે રજૂ કરાયો છે અને જરનૈલસિંહ ભિંડરાનવાલેને ભારતના ભાગલા પડીને ખાલિસ્તાનની માગણી કરનારો બતાવ્યો છે એ ખોટું છે. આ બધું ફિલ્મમાંથી કાઢી નહીં નંખાય તો ફિલ્મ રીલીઝ નહીં થવા દઈએ એવી ખુલ્લી ધમકી શિરોમણી ગુરદ્વારા પ્રબંધક સમિતી (એસજીપીસી) સહિતનાં સંગઠનોએ આપી છે. તેના કારણે ફફડેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ઈશારે સેન્સર બોર્ડે મંજૂરી ના આપી. મૂળ ઈમર્જન્સી ૬ સપ્ટેમ્બરે રીલીઝ થવાની હતી પણ હવે ક્યારે રીલીઝ થશે એ ખબર નથી.
ઈમર્જન્સીમાં કંગનાએ ઈન્દિરાનો રોલ તો કર્યો જ છે પણ ફિલ્મ ડિરેક્ટ પણ પોતે કરી છે ને ફિલ્મની નિર્માતા પણ પોતે છે. ફિલ્મ રીલીઝ ના થાય તો મોટો આર્થિક ફટકો પડે એટલે કંગના સેન્સર બોર્ડ અને સરકાર પર પણ બગડી છે. કંગનાના કહેવા પ્રમાણે, આ દેશના કાયદા પ્રમાણે, ઓટીટી પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારની સેન્સરશિપ કે પરિણામોની ચિંતા કર્યા વિના બેફામ હિંસા અને નગ્નતા બતાવી શકાય છે, રાજકારણથી પ્રેરિત બદઈરાદા પાર પાડવા માટે વાસ્તવિક જીવનમાં બનેલી ઘટનાઓને તોડીમરોડીને રજૂ કરી શકાય છે.
આ પ્રકારની રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને પોષવા માટે સામ્યવાદીઓ તથા ડાબેરીઓને આખી દુનિયામાં તમામ પ્રકારની સ્વતંત્રતા છે પણ એક રાષ્ટ્રવાદી તરીકે ભારતની એકતા અને અખંડિતતાના વિષય પરની ફિલ્મ બનાવવાની કોઈ ઓટીટી મંજૂરી નથી આપતું. મને લાગે છે કે, સેન્સરશિર અમારા જેવાં એવાં લોકો માટે જ છે કે દે આ દેશના ટુકડા નથી ઈચ્છતા અને ઐતિહાસિક તથ્યો પર ફિલ્મો બનાવી છે. આ સ્થિતી અન્યાયી અને હતાશાજનક છે.
ઈમર્જન્સીમાં સીખોના ઈતિહાસ વિશે શું બતાવાયું છે એ ખબર નથી તેથી તેના વિશે કોમેન્ટ કરવી યોગ્ય નથી પણ ભિંડરાનવાલે ભારતના ભાગલા પાડવા નહોતો માગતો એ દાવો ટેકનિકલી સાચો છે પણ વાસ્તવિક રીતે સાવ ખોટો છે. ભિંડરાનવાલે સહિતના સીખ નેતા ભારતમાંથી અલગ દેશ ખાલિસ્તાન નહોતા માગી રહ્યા પણ સીખો માટે સ્વાયત્ત રાજ્ય માગી રહ્યા હતા કે જેનું શાસન સીખ ધર્મના સિધ્ધાંતો પ્રમાણે ચાલે. ભારતના બંધારણ કે કાયદાના બદલે ચોક્કસ ધર્મના સિધ્ધાંતો પ્રમાણે ચાલે એવું રાજ્ય ભારતથી અલગ રાષ્ટ્ર જ કહેવાય તેથી ખાલિસ્તાનની માગ ભારતની એકતા અને અખંડિતતાના સિધ્ધાંતોથી વિરૂધ્ધ જ છે.
સીખો માટે અલગ રાજ્યની માગ આઝાદી પહેલાં પાકિસ્તાનની માગ ઉઠી ત્યારથી જ શરૂ થઈ ગયેલી. ૧૯૪૦માં ડો. વીરસિંહ ભટ્ટીએ પહેલી વાર ખાલિસ્તાનનો વિચાર વહેતો મૂકેલો. સીખોના ધનિક અને શક્તિશાળી વર્ગને એ વિચાર ગમી ગયેલો તેથી ધીરે ધીરે એ વિચાર મોટો થતો ગયો.
ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં પછી ૧૯૬૬માં પંજાબના ત્રણ ભાગ કરીને સીખો માટે અલગ પંજાબ બનાવી દીધું. પંજાબના હિન્દુઓના પ્રદેશોને અલગ કરીને હરિયાણાની રચના કરી અને કેટલાક પ્રદેશોને હિમાચલ પ્રદેશમાં ભેળવી દીધાં.
ઈન્દિરાએ સીખોનું રાજ્ય આપેલું તેથી પંજાબની ૧૯૭૨ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી થઈ. હારેલા શિરોમણી અકાલી દળે રાજકીય અસ્તિત્વ ટકાવવા ‘ખાલિસ્તાન’નો મુદ્દો ભડકાવ્યો. અકાલી દળના ઈશારે ૧૯૭૩માં સીખોના પવિત્ર સ્થાન આનંદપુર સાહિબ ખાતે પંજાબને વધારે સ્વાયત્તતાનો તથા સીખ ધર્મને હિંદુ ધર્મથી અલગ ગણીને અલગ ધર્મની માન્યતા આપવાનો ઠરાવ કરાયો હતો.
શિરોમણી અકાલી દળે રાજકીય ફાયદા માટે આ મુદ્દાને સળગાવ્યો. સામે ઈન્દિરાએ જરનૈલસિંહ ભિંડરાનવાલેને ઉભો કરી દીધો. ભિંડરાનવાલે શરૂઆતમાં ઈન્દિરાને પડખે હતો પણ પછી અકાલી દળની પંગતમાં બેસી ગયો. ભિંડરાનવાલેએ સીખોને હથિયારો પકડાવીને આતંકવાદને રસ્તે વાળ્યા. ભિંડરાનવાલેએ સુવર્ણ મંદિર પર કબજો કરીને ધામા નાંખ્યા.
સુવર્ણ મંદિર જેવા પવિત્ર સ્થાનેથી આતંકવાદનો દોરીસંચાર થતો તેથી ઈન્દિરાએ ૧૯૮૨માં સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું. ભિંડરાનવાલે લશ્કરને જોઈને ભાગી ગયો પણ લશ્કરની વિદાય પછી ફરી સુવર્ણ મંદિર પર કબજો કર્યો. એ પછી ભિંડરાનવાલેના ઈશારે બેફામ આતંકવાદ શરૂ થયો. છેવટે ઈન્દિરાએ જૂન ૧૯૮૪માં ફરી સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલીને ભિંડરાનવાલેને પતાવી દીધો.
ઓપરેશન બ્લુ સ્ટારમાં ભિંડરાનવાલે મરાયો પણ સુવર્ણ મંદિરમાં લશ્કરને મોકલાયું હતું તેથી ભડકેલા સીખ યુવકોએ આતંકવાદને ભડકાવ્યો.તેના કારણે ઈન્દિરાની હત્યા પણ થઈ. સતવંતસિંહ અને બિયંતસિંહે નામના બે સીખ અંગરક્ષકે જ ઈન્દિરા ગાંધીની હત્યા કરી નાંખી હતી.
કંગનાની ફિલ્મમાં આ બધું બતાવાયું હોય છતાં સેન્સર બોર્ડ ફિલ્મને રીલીઝ ના થવા દેતું હોય તો એ અન્યાય તો કહેવાય જ પણ સવાલ એ છે કે, આ અન્યાય કોણ કરી રહ્યું છે ? કંગના કોની સામે બળાપો કાઢી રહ્યાં છે ? કેન્દ્રમાં ભાજપની સરકાર છે ને કંગના ભાજપનાં સાંસદ છે છતાં કંગનાની ફિલ્મને સેન્સર બોર્ડની મંજૂરી ના મળતી હોય તો તેનો અર્થ એ જ થાય કે, મોદી સરકાર નથી ઈચ્છતી કે આ ફિલ્મ અત્યારે જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં રજૂ થાય. મોદી સરકાર સીખોને નારાજ કરવા નથી માગતી તેથી ફિલ્મમાં કટ ઈચ્છે છે એ સ્પષ્ટ છે.
કંગના પોતાની ફિલ્મને દેશની એકતા અને અખંડિતતાની આસપાસ ઘૂમતી અને ઐતિહાસિક તથ્યો પર આધારિત ફિલ્મ ગણાવે છે પણ મોદી સરકારને જ આ ઐતિહાસિક તથ્યો માન્ય નથી. કંગના અભિવ્યક્તિની આઝાદીને રૂંધી રહી હોવાનો આક્ષેપ કરી રહી છે. આ કામ તેમની પોતાની જ સરકાર કરી રહી છે. આ સંજોગોમાં ડાબેરીઓ કે સામ્યવાદીઓને ગાળો દેવાની વાત હાસ્યાસ્પદ છે.
કંગના જાહેરમાં બળાપો કાઢી રહ્યાં છે તેનો અર્થ એ થાય કે, સરકારમાં જ રજૂઆત કરીને ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ અપાવવા મથામણ કરી જોઈ પણ સરકારમાં તેમનું કોઈ સાંભળતું જ નથી. આ સંજોગોમાં કંગના પાસે છેલ્લો રસ્તો હાઈકોર્ટમાં જવાનો છે. કંગનાએઐ બીજા લવારા કરવાના બદલે હાઈકોર્ટમાં જવું જોઈએ. પોતાને નિડર ગણાવતી કંગના એવી હિંમત બતાવે છે કે નહીં એ જોઈએ.
મોદી સરકારે ઉડતા પંજાબને પણ રોકી દીધેલી, અનુરાગ હાઈકોર્ટમાંથી મંજૂરી લાવેલા
સેન્સર બોર્ડમાં ફિલ્મો અટવાય એ નવી વાત નથી. ભૂતકાળમાં ઘણી ફિલ્મો સામે સેન્સર બોર્ડે વાંધો લઈને મંજૂરી ના આપી હોય ને ફિલ્મો હાઈકોર્ટમાંથી મંજૂરી લઈ આવીને રીલીઝ થઈ હોય એવું બન્યું છે.
ઉડતા પંજાબ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારેના ઈશારે સેન્સર બોર્ડે ઉડતા પંજાબ ફિલ્મને પંજાબ વિરોધી ગણાવીને ૯૪ કટ કરવા અને ૧૩ પોઈન્ટર્સ મૂકવા ડિરેક્ટર અનુરાગ કશ્યપને ફરમાન કરેલું.
સેન્સર બોર્ડના તત્કાલિન ચેરમેન પહલાજ નિહલાનીએ તો ફિલ્મમાં પંજાબનાં શહેરોનાં નામનો ઉલ્લેખ નહીં કરવા પણ ફરમાન કરેલું.
પહલાજ નિહલાનીએ દાવો કરેલો કે ,ઉડતા પંજાબ ફિલ્મના નિર્માતા અનુરાગ કશ્યપે પંજાબને ખરાબ ચિતરવા માટે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પાસેથી તગડી રકમ લીધી છે એવું તેમણે સાંભળ્યું છે.
પંજાબમાં એ વખતે ભાજપ અને અકાલી દળની સરકાર હતી. ૨૦૧૭ના માર્ર્ચમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી હતી. પંજાબનું ડ્રગ્સના અડ્ડા જેવું ચિત્ર જોઈને અકાલી દળ-ભાજપને કોઈ મત ના આપે એટલે અકાલી દળે સેન્સર બોર્ડના માધ્યમથી ફિલ્મ રોકવાનો ઉધામો કર્યો હતો.
કશ્યપે ફિલ્મમાં કટ મૂકવાના બદલે બોમ્બે હાઈકોર્ટમાં જવાનું પસંદ કર્યું. હાઈકોર્ટે માત્ર એક કટ અને સ્પષ્ટતા મૂકવાનો આદેશ આપીને ફિલ્મને રીલીઝ કરવાની મંજૂરી આપી.
આ વિવાદ લાંબો ચાલ્યો તેમાં ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગયેલી તેથી ફિલ્મને જબરદસ્ત સફળતા નહોતી મળી પણ ૧૦૦ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. કંગના પાસે પણ હાઈકોર્ટમાં જઈને ફિલ્મને મંજૂરી લઈ આવવાનો રસ્તો ખુલ્લો જ છે.
કંગના ભાજપ માટે માથાનો દુઃખાવો, સાંસદ બન્યા પછી વિવાદ પર વિવાદ
કંગના રણૌતને ભાજપે લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપીને સાંસદ તો બનાવી દીધી પણ કંગના ભાજપ માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. કંગનાને સાંસદ બન્યાને બે મહિના પણ થયા નથી ત્યાં તેણે ઉપરાછાપરી વિવાદો ઉભા કરીને ભાજપને કફોડી સ્થિતીમાં મૂકી દીધો છે. કંગનાએ પહેલાં રાહુલ ગાંધી નશામાં જ રહેતા હોવાનો અને ડ્રગ્સ લેતા હોવાનો આક્ષેપ કરીને હલકી માનસિકતાનું પ્રદર્શન કરેલું. એ પછી એરપોર્ટ પર થપ્પડ કાંડ દ્વારા નવો વિવાદ સર્જ્યો. પછી ખેડૂત આંદોલનમાં હત્યાઓ અને બળાત્કાર થયા હોવાનું વાહિયાત નિવેદન આપ્યું. ભાજપે કંગનાને નીતિવિષયક બાબતો અંગે નહીં બોલવા તથા વિવાદો ઉભા નહી કરવા ચીમકી આપવી પડી.
કંગના એ પછી પણ સખણી રહેતી નથી ને હવે સેન્સર સર્ટિફિકેટના મામલે પોતાની જ સરકાર સામે બાંયો ચડાવીને બેસી ગઈ છે. આ બધાં કારણે કંગનાની સરખામણી સાધ્વી પ્રજ્ઞા સાથે થઈ રહી છે. સાધ્વી પ્રજ્ઞાને ભાજપે બે વાર ટિકિટ આપેલી જ્યારે કંગનાને તો પાંચ વર્ષ પછી પણ ટિકિટ નહીં મળે એવું લાગે છે.