ભારે વરસાદના કારણે જગતના તાતને ચોમાસુ ખેતીમાં મોટાપાયે નુકસાન થયુ
હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના સર્વે માટે કામગીરી શરૂ કરવામાં આવી નથી
સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવે તેવી ખેડૂતોને આશા
સમગ્ર ગુજરાતની સાથે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદે વિનાશ વેર્યો છે અને જગતના તાતને ચોમાસુ ખેતીમાં મોટાપાયે નુકસાન થયુ છે અને ખેડૂતોને ફરી એક વખત રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવે તેવી ખેડૂતોને આશા
તમને જણાવી દઈએ કે પંચમહાલ જિલ્લાનો પૂર્વ પટ્ટો જ્યાં માત્ર ચોમાસાની સીઝન આધારિત જ ખેતી થાય છે અને બાકીના દિવસોમાં સિંચાઈની સગવડ ના હોવાથી અહીંનો આદિવાસી આખા ગુજરાતમાં મજૂરી કરવા અને પેટીયું રળવા જતો રહેતો હોય છે. ત્યારે એક જ ચોમાસાની સીઝનમાં મકાઈ, તુવેર જેવી ખેતી પણ આ વખતના ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે સંપૂર્ણ રીતે ખેદાન મેદાન થઈ ગઈ છે, ત્યારે અહીંના ખેડૂતો માથે હાથ મુકીને રડી રહ્યા છે અને સરકાર તરફથી કોઈ સહાય આપવામાં આવે તેની આશા રાખીને બેઠા છે.
ચોમાસુ સિઝન સારી ના જતા ખેડૂતોની હાલત કફોડી બની
ગોધરા તાલુકાનું ઓરવાડા ગામ જ્યાંના ખેડૂતોની હાલત હાલ ખુબ જ દયનિય થઈ ગયેલી છે, માત્ર એક જ સીઝન અને બાકીના સમયમાં મજૂરી કરવા માટે આખા ગુજરાતમાં જાણીતો અહીંનો આદિવાસી સમાજ એક સિઝનના પાકથી પણ હાથ ધોઈ બેઠો એવી સ્થિતિનું નિર્માણ થયેલુ છે અને હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના સર્વે માટે કામગીરી શરૂ કરવામાં આવી નથી, ત્યારે ખેડૂતો સ્થાનિક નેતાઓ પાસે સહાય મેળવી આપવાની અપેક્ષાઓ રાખી રહ્યા છે.
દેત્રોજ સહિત પંથકના ખેતરોમાં પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા
ભારે વરસાદ બાદ દેત્રોજ સહિત પંથકના ખેતરોમાં પાણી ભરાતા જાણે કે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદે વિરામ લીધા બાદ પણ ખેતરોમાંથી પાણીનો નિકાલ ના થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ભારે વરસાદ બાદ હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ દેત્રોજ તાલુકાના ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને સરકાર દ્વારા દેત્રોજ તાલુકામાં ઝડપી નુકસાનનો સર્વે કરી નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.