ચેતવણી, ધમકી, દંડ, જેલ અને કોરડા સુધીની સજા
કોઈપણ પુરૂષ પોતાનાં ખિસ્સામાં કોઈપણ મહિલાનો ફોટો ન રાખી શકે મસ્જિદમાં નમાજ સમયે મોડો આવે તો તેને જેલ ભેગો કરવામાં આવે છે
કાબુલ: તાલિબાનોની અંતરિમ સરકારે ઈસ્લામિક કાનૂનોમાં નવા ફેરફારો કરવા સાથે મહિલાઓ ઉપર સખ્તાઈ વધારી દીધી છે. તે પ્રમાણે કોઈપણ મહિલા ઘરમાંથી બહાર નીકળે તો તેણે તેનું મુખ સંપૂર્ણ રીતે ઢાંકી દેવું જોઈએ. કોઈ સાથે વાત પણ કરવી ન જોઈએ. જો તે પૂરેપૂરો બુરખો ન પહેરે કે તેનો અવાજ પણ બહાર આવે તો તેની ચામડી ઉતરડી નાખવાનો તાલિબાન સરકારે હુકમ કર્યો છે.
તાલિબાનના આ કાનૂન અંગે સંયુક્ત રાષ્ટ્ર મિશને વિરોધ ઉઠાવ્યો છે, પરંતુ તાલિબાનો તે વિરોધને ગણકારતા નથી. તેમણે ગયા બુધવારે ઈસ્લામી કાનૂનમાં પણ ફેરફાર કરી ૩૫ નવા નિયમો પ્રસિદ્ધ કર્યા છે. તે કાનૂનોના અમલ કરવા માટે વિશેષ પોલીસ રાખવામાં આવી છે. તે આ નિયમોનું પાલન કરાવે છે.
આ કાનૂનનો ભંગ કરવા માટે જુદી જુદી સજાઓ છે, તેમાં પહેલા ચેતવણી અપાય છે, પછી ધમકી, પછી દંડ, જેલ અને છેવટે કોરડા મારવા સુધીની સજાઓ સમાવિષ્ટ છે.
પુરૂષો ઉપર પણ કડક પ્રતિબંધો છે. તેમાં પુરૂષો પોતાના ખિસ્સામાં કોઈપણ મહિલાનો ફોટો રાખી ન શકે, નમાજ સમયે મસ્જિદમાં મોડો આવે તો જેલની સજા કરવામાં આવે છે, તે તેનાં કુટુમ્બનાં મહિલાનો ફોટો પણ ખિસ્સામાં રાખી ન શકે.
ઉલ્લેખનીય છે કે, ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧માં તાલિબાનો સત્તા પર ફરી આવ્યા ત્યારે તેમની અંતરિમ સરકારે મહિલાઓ ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો લગાડી દીધા છે, જે આપણે ઉપર જોઈ ગયા છીએ. તાલિબાની શાસનમાં અન્ય ધર્મોને પણ સ્થાન નથી, તેથી હજ્જારો હિન્દુઓ, શિખો, પારસીઓ અને ખ્રિસ્તીઓ અફઘાનિસ્તાન છોડી જતા રહ્યાં છે. તેમાં પ્રેસની સ્વતંત્રતા ઉપર પણ સખ્ત પ્રતિબંધ છે. મીડીયાને ‘શરિયા-કાનૂન’ કે ધર્મ સંલગ્ન કોઈ પણ બાબત કે લેખ પ્રકાશિત કરવાની મંજૂરી નથી.
સંયુક્ત રાષ્ટ્રોએ આ પ્રતિબંધો વિશેષતઃ મહિલાઓ ઉપરના પ્રતિબંધો અને પ્રેસ ઉપર મુકેલા પ્રતિબંધો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ તાલિબાનોને તેની પડી નથી.