Parshottam Rupala Controversy : રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું ચાલી રહેલું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. આજે (14 એપ્રિલ) રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ખાતે ક્ષત્રિયોએ મહાસંમેલન યોજાયું છે. આ સંમેલનમાં ભાગ લેવા ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા છે. ક્ષત્રિય સમાજના મહા સંમેલનમાં ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મહિપાલ સિંહ મકરાણા ઉપસ્થિત રહ્યા છે. ક્ષત્રિય સમાજના 15 જેટલા આગેવાનો સભાને સંબોધન કરી રહ્યા છે.
સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન નહીં : તૃપ્તિબા
તૃપ્તિબા રાઉલે મહાસંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે, ‘સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન નહીં. આપણા જ સમાજના બીજા ભાઈઓને આપણને સમજાવવા મોકલવામાં આવી રહ્યા છે. લોહી તો એમનું પણ ઉકળતું હોય. પરંતુ એમની કોઈ મર્યાદા વચ્ચે આવતી હોય. સમાજનો મોટો પ્રશ્ન છે તેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે. વિરોધ અને વિવાદના કારણે બેઠક પરથી ઉમેદરવાર બદલવામાં આવે, મંત્રી મંડળ પણ બદલવામાં આવે તો આતો બહેનો પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરે તો તેને કેમ ન બદલવામાં આવે. ટિકિટ રદ ન કરીને એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં નાતી જાતી પર કોઈપણ ટિપ્પણી કરી શકે?… આપણી લડાઈ લાંબી છે.
અમે ઘરે જઈએ અને તમે બ્રેકિંગ ન્યૂઝ આપો કે રૂપાલા હટી ગયા : અશ્વિનસિંહજી સરવૈયા
અશ્વિનસિંહજી સરવૈયાએ કહ્યું કે, ‘વગર આમંત્રણે ક્ષત્રિયો લાખોની સંખ્યામાં ભેગા થયા છીએ. એ પણ બે જ દિવસની મુદતમાં. હું મારા ક્ષત્રિય સમાજની લાગણી સમજું છું. આજે ભાજપ વાળા સમજતા નથી કે રૂપાલા તમને રૂપાળા કેમ લાગે છે. આખો સમાજ એક બાજું અને એક વ્યક્તિને હટાવી નથી શકતા. ભાજપને 400 પાર કરવા ટિકિટ જોઈએ છીએ. રાજપૂતોને ટિકિટ આપો તો 500 પાર થઈ જશે. આ સભા પૂર્ણ થાયને અમે ઘરે જઈએ અને તમે બ્રેકિંગ ન્યૂઝ આપો કે રૂપાલા હટી ગયા.
ક્ષત્રિયોએ કહ્યું કે, ‘અસ્મિતાની લડાઈ છે. આ સ્વાભિમાનનું આંદોલન છે. કોઈ જ્ઞાતિ કે પક્ષ સાથે લેવા-દેવા નથી. રૂપાલાએ મા-દીકરી વિશે શબ્દો વાપર્યા છે તેના માટે અમારું આંદોલન છે. રાજાઓએ રજવાડા આપી દીધા. અમારી તો માત્ર એક વ્યક્તિને બદલવાની માંગ છે. શાંતિનું આંદોલન છે. અહિંસક આંદોલન છે. કોઈને નુકસાન નથી પહોંચાડ્યું.’
સભાસ્થળે 3-4 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા
ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પાટણ સહિત રાજ્યભરમાંથી દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો અહીં ભેગા થયા છે. તો મહારાષ્ટ્રથી પણ ક્ષત્રિયો પહોંચ્યા છે તેમજ અન્ય રાજ્યોમાંથી પણ આવ્યા છે. ક્ષત્રિય આગેવાનના અનુસાર, ક્ષત્રિયો ઉપરાંત કાઠી દરબારો, કારડિયા દરબાર, ગરાસીયા દરબાર, ગુર્જર ઠાકોર, ખંટ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. આ સંંમેલન માટે 56,000 ખુરશી અને 3-4 લાખ લોકો બેસી શકે તેવા પાથરણાં રાખવામાં આવ્યા છે અને ઉંચાઈ પર સ્ટેજ બનાવાયું છે.
બસ અને કાર મારફતે ક્ષત્રિયો પહોંચ્યા રાજકોટ
રાજકોટના મહાસંમેલનમાં ક્ષત્રિયો પહોંચી ચૂક્યા છે. તો કેટલાક હજુ પહોંચી રહ્યા છે. ક્ષત્રિય આગેવાનોના દાવા અનુસાર, 1300 બસ અને 4600 કારમાં ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ પહોંચ્યા છે.
ભાજપને એક જ મેસેજ છે કે રૂપાલા જોઈએ છે કે લાખો-કરોડો ક્ષત્રિયોનો ટેકો?
આગેવાનોએ જણાવ્યું કે, ‘આ સંમેલનમાં ભાજપની સભાની જેમ કોઈ એસ.ટી. બસો રોકાઈ નથી, કોઈ ફૂડ પેકેટ સહિતની લાલચો નથી, જર્મન ડોમ નથી રાખવાના, સામ, દામ, દંડ, ભેદની નીતિ નથી, કોઈને હાજર રાખવા સરકારી અફ્સરો મારફત દબાણ કરાવાયું નથી કે પરિપત્રો જારી નથી કરાયા અને છતાં ક્ષત્રિય સમાજ સ્વયંભુ અને રોષભેર જંગી સંખ્યામાં ઉમટી પડશે. આ તમામનો ભાજપને એક જ મેસેજ રહેશે કે રૂપાલા જોઈએ છે કે લાખો-કરોડો ક્ષત્રિયોનો ટેકો જોઈએ છે? રૂપાલાને હટાવો અને તેની જગ્યાએ મરજી પડે તેવા કોઈ પણ ઉમેદવારને રાખો તો ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે અન્યથા ભાજપની સામે છે.
સંમેલનમાં આવતા ક્ષત્રિયોને એકદમ શિસ્ત અને શાંતિ જાળવવા, માર્ગમાં આવતા જતા પણ કોઈ સાથે અકારણ માથાકૂટ નહીં કરવા, ટ્રાફિક સહિતના નિયમો પાળવા, જે વાહનમાં આવતા હોય તેનો નંબર તથા ફોન નંબર લઈ લેવા, ધક્કામુક્કી ન થાય તે જોવા સહિતની સૂચનાઓ અપાઈ છે તો રાજકોટ પોલીસ તંત્ર પણ એલર્ટ બની ગયું છે અને બીનજરૂરી બળપ્રયોગ કે ઘર્ષણ ટાળવા અંદરખાને સૂચના અપાયાનું જાણવા મળે છે.
આંદોલન ચલાવતી સંકલન સમિતિના સૂત્રો અનુસાર તા. 16ને મંગળવારે રૂપાલા ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. ત્યાં સુધી હજુ ભાજપ લાખો ક્ષત્રિયાણીઓ, ક્ષત્રિયોની લાગણી સમજશે તેવી આશાનું કિરણ છે, ત્યારબાદ જલદ્ કાર્યક્રમો અપાશે કારણ કે અમે ઝૂકવાના નથી કે માફી આપવાના નથી એ નક્કી છે.’
સાંજે 4થી રાત્રે 9 સુધી ક્ષત્રિય સંમેલન માટે પોલીસની મંજૂરી
રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી ક્ષત્રિય સમાજના લોકો આ મહાસંમેલનમાં ઉપસ્થિત છે. જેના પગલે 400થી વધુ પોલીસ જવાનો તહેનાત કરાયા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસ વિભાગની બાજ નજર રાખવામાં આવી છે. આ અંગે ડી.સી.પી. સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે, ‘ક્ષત્રિયોના મહાસંમેલન માટે રાજકોટ પોલીસ દ્વારા 14મી એપ્રિલે સાંજે 4થી રાત્રિના 9 સુધી સભાની મંજૂરી અપાઈ છે. શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે. રતનપરમાં નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં 2 આસિ. પોલીસ કમિશનર, 4 પી.આઈ., મહિલા સહિત 14 પી.એસ.આઈ., 150 પોલીસ કોન્સ્ટેબલો, હેડકોન્સ્ટેબલો તથા ટ્રાફિક પોલીસ સહિતનો અન્ય સ્ટાફ તહેનાત કરાયો છે. ક્ષત્રિય આગેવાનોએ એવો નિર્દેશ આપ્યો છે કે તેમના આ આંદોલનથી આમ નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તેવા પૂરા પ્રયાસો કરવામાં આવશે.