– અમદાવાદના શોપર્સ પ્લાઝામાં ખેતીવાડી પ્રોડક્ટનું વેચાણ કરતી ચાર કંપની ધરાવતા પિતા-પુત્ર સાથે સંબંધી હસ્તક પરિચય થયોઃ સંબંધી કંપનીનો એજન્ટ હોવાનું કહી લોભામણી સ્કીમની જાળમાં ફસાવ્યો
સુરત
ડિંડોલી-નવાગામ રોડના કરિયાણાના વેપારીને સંબંધી મારફતે અમદાવાદના શોપર્સ પ્લાઝામાં ખેતીવાડી પ્રોડક્ટનું વેચાણ કરતી ચાર કંપનીમાં રોકાણ કરવાથી ટુંકા ગાળામાં 70 થી 80 ટકા નફાની લાલચ આપી રૂ. 25 લાખ પડાવી લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
ડીંડોલી-નવાગામના મૌર્યાનગરની પાછળ યોગેશ્વર નગરમાં રહેતા અને ઘરમાં જ નવદુર્ગા કિરાણા પ્રોવિઝન સ્ટોર ચલાવતા તપધારીસિંઘ જબ્બરસિંઘ રાઠોડ (ઉ.વ. 39) નો વર્ષ 2017 માં સંબંધી ભવરસિંહ રાઠોડે તેના મિત્ર જ્યંતિ શંભુ પટેલ (રહે. સુરમયા સ્કાય, રત્નવિહાર બંગ્લોની સામે, સોલા, અમદાવાદ) સાથે પરિચય કરાવ્યો હતો. જ્યંતિએ પોતે દલાલ અને તેના પુત્ર પ્રવિણ જ્યંતિ પટેલ સાથે શોપર્સ પ્લાઝા, શાંતિગ્રામ ટાઉનશીપ, અમદાવાદ ખાતે ખેતીવાડી પ્રોડક્ટનું વેચાણ કરી સ્પ્રીટા ઇન્ડિયા લેન્ડ પ્રોજેક્ટ પ્રા. લિ., સ્પ્રીટા ઓનીડા ટ્રેડલીન પ્રા. લિ., બ્રીઓ એગ્રી પ્રોડ્યુસર કંપની લિ. અને રાયઝર કેપીટલ સર્વિસ લિમીટેડ નામની કંપની ધરાવે છે. જે પૈકી બ્રીઓ એગ્રી પ્રોડ્યુસર કંપનીમાં પોતે ડાયરેક્ટર છે અને ભવરસિંહ કંપનીનો એજન્ટ છે. જ્યંતિએ તપધારીસિંઘને કહ્યું હતું કે જો અમારી કંપનીમાં રોકાણ કરશો તો ટુંક સમયમાં 70 થી 80 ટકા નફો થશે. જેથી ત્રણથી ચાર ગણા નફાની લાલચમાં તપધારીસિંઘે રૂ. 12 લાખ આપ્યા હતા અને તેની સામે ડાયરી પણ બનાવી આપી હતી. એકાદ વર્ષ બાદ વળતરની માંગણી કરતા જ્યંતિએ રૂ. 12 લાખની સામે રૂ. 17 લાખ મળશે અને તમે હજી વધુ રોકાણ કરો એવું કહેતા તપધારીસિંઘે વધુ રૂ. 13 લાખ મળી કુલ રૂ. 25 લાખનું રોકાણ કર્યુ હતું. રોકાણ કરતી વખતે ભવરસિંહે એવું કહ્યું હતું કે જો રૂપિયા પરત નહીં મળે તો ગામની જમીન વેચાણ કરીને રૂપિયા પરત આપીશ. પરંતુ જ્યંતિ અને પ્રવિણે કોઇ વળતર આપ્યું ન હતું અને ભવરસિંહે રાયઝર કેપીટલ સર્વિસ લિમીટેડનો ચેક આપ્યો હતો તે એકાઉન્ટ પણ ક્લોઝ કરી દેવામાં આવ્યું હતું.