– નાઇટ ડ્યુટીના સિક્યુરીટી ગાર્ડને ગર્ભગૃહની પાછળ લઇ જઇ ચપ્પુ વડે બાનમાં લઇ કહ્યું `હમ જો કર રહે હે, વો કરને દો, ચુપચાપ રહના વરના ઘુસા દુંગા`
– બીજાએ દાનપેટી તોડી રોકડ લૂંટી લીધી, લમ્બુ કહા હે એમ કહી નિંદ્રાધીન સિક્યુરીટી ગાર્ડની રૂમમાં જઇ તેને પણ માર મારી બંનેને રૂમમાં ગોંધી દીધા
સુરત
સુરત-કડોદરા રોડના વેડછા પાટીયા સ્થિત નવકારધામ જૈન દેરાસરમાં ગત વહેલી સવારે ત્રાટકેલા બુકાનીધારી બે લૂંટારૂએ નાઇટ ફરજના સિક્યુરીટી ગાર્ડને ચપ્પુ વડે બાનમાં લઇ અને રૂમમાં સુતેલા સિક્યુરીટી ગાર્ડને માથામાં ગંભીર ઇજા પહોંચાડી દાન પેટીમાંથી રોકડા રૂ. 40 થી 45 હજારની મત્તા લૂંટીને ભાગી ગયા હતા.
કડોદરા રોડ વેડછા પાટિયા નજીક સાંઇકૃપા માર્બલની સામે નવકારધામ જૈન દેરાસરમાં શનિવારે વહેલી સવારે બે લૂંટારૂ ત્રાટકયા હતા. દેરાસરના સર્વન્ટ રૂમમાં રહેતો સિક્યુરીટી ગાર્ડ ઇરભાન સુર્યભાન તાયડે (ઉ.વ. 65 રહે. હયાતનગર, ઉન, સુરત અને મૂળ. આડસુળ, તા. તેલ્હાર, અકોલા, મહારાષ્ટ્ર) અઢી વાગ્યાના અરસામાં દેરાસરની લોબીમાં ખુરશી ઉપર બેઠા-બેઠા સુઇ ગયો હતો. તે દરમિયાન કાળા શર્ટ અને મોંઢા ઉપર બુકાનીધારી બે લૂંટારૂ ઘસી આવ્યા હતા. લૂંટારૂઓ ઇરભાનનું મોંઢુ દબાવી અને પગ પકડીને દેરાસરના ગર્ભગૃહની પાછળ લઇ ગયા હતા. જયાં ઇરભાનને નીચે સુવડાવી એક લૂંટારૂ તેની છાતી ઉપર બેસી તેનો મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢીને લઇ લીધો હતો અને ચપ્પુ વડે બાનમાં લઇ `હમ જો કર રહે હે, વો કરને દો, ચુપચાપ રહના વરના ઘુસા દુંગા`. જેથી ઇરભાન ડરી ગયો હતો અને બીજા લૂંટારૂએ ગર્ભગૃહની અંદર દાનેપેટી તોડી તેમાંથી રૂ. 40 થી 45 હજારની મત્તા લૂંટી લાલ કલરનો થેલો અને લોખંડનો પાના જેવું સાધન લઇને બહાર નીકળી મૈને પૈસા નિકાલ લીયા હે એમ કહી ઇરભાનને દેરાસરની બહાર લઇ ગયા હતા. જયાં લમ્બુ કહા હે એમ કહેતા ઇરભાને તેના સાથી સિક્યુરીટી ગાર્ડ શેરસીંગ ભેરૂસીંગ રાજપૂતની રહેણાંક રૂમ બતાવતા એક લૂંટારૂ રૂમમાં ઘુસી ગયો હતો. જયાં નિંદ્રાધીન શેરસીંગના માથામાં લોખંડનું પાનું મારી ગંભીર ઇજા પહોંચાડી મોબાઇલ લૂંટી લીધો હતો અને ત્યાર બાદ શેરસીંગ અને ઇરભાનને રૂમમાં ગોંધીને ભાગી ગયા હતા. જેથી શેરસીંગ દરવાજાના નટ-બોલ્ટ ખોલી દરવાજો ખોલ્યો હતો અને દેરાસરના અન્ય સર્વન્ટને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અરસામાં શેરસીંગને તેનો મોબાઇલ દેરાસરના પેસેજમાંથી મળી આવતા તુરંત જ દેરાસરના વહીવટકર્તાને જાણ કરી હતી.
લમ્બુ કહા હે એવું પુછતા લૂંટારૂ જાણભેદુ હોવાની શંકા
નવકારધામ જૈન દેરાસરને નિશાન બનાવનાર બુકાનીધારી બે લૂંટારૂએ નાઇટ ડ્યુટીના વૃધ્ધ સિક્યુરીટી ગાર્ડ ઇરભાનનો મોબાઇલ લઇ તેમાંથી સીમકાર્ડ કાઢી પોતાની પાસે રાખી લીધો હતો. ઉપરાંત લૂંટ કરીને ઇરભાનને દેરાસરની બહાર લઇ આવી એવું પુછ્યું હતું કે લમ્બુ કહા હે અને ઇરભાને રૂમમાં સુતેલા સાથી સિક્યુરીટી ગાર્ડ શેરસીંગની રૂમ બતાવી હતી. જેથી લૂંટારૂ જાણભેદુ હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.