પતિ સાથે વીડિયો કોલમાં વાત કર્યા બાદ પોણા કલાકમાં જ અંતિમ પગલું ભરી લીધું

કોઈ અજાણ્યા નંબરથી ફોન આવતો હોવાની જાણકારી પતિને આપી હતીઃ પરિણીત શિક્ષિકાને કોઈ હેરાન પરેશાન કરતો હોવાની શંકા સાથે પોલીસ તપાસ આરંભાઈ 

દિવસે શાળા દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લીધો,સરળ સ્વભાવના શિક્ષિકાએ સેલ્ફી માટે ખેંચેલી તસ્વીર અંતિમ તસ્વીર બની ગઈ

ભુજ: મુળ ભાવનગર જિલ્લાના પાલિતાણાના વતની અને કચ્છના ખાવડા નજીકના તુગા ગામે છેલ્લા ૧૧ માસથી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ૩૫ વર્ષીય શિક્ષિકા વિણાબેન શાંતિભાઈ દુધરેજીયા શિક્ષક કોલોનીમાં પોતાના ઘરે એ મંગળવારે રાત્રે પતિ સાથે વતનમાં વીડિયો કોલમાં વાત કર્યા પછી પોણા કલાકમાં જ આપઘાત કરી લીધાના બનાવે ચકચાર જગાવી છે.  શિક્ષિકાના મોતના પગલે શિક્ષકગણમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ખાવડા પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિણાબેને રાત્રીના સાડા દસ વાગ્યાના અરસામાં  શિક્ષક કોલોનીમાં પોતાના મકાનમાં પંખા પર દુપટ્ટો બાંધીને કોઇ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી.

 ખાવડા પોલીસ મથકના તપાસનીશ અધિકારી એમ.બી.ચાવડાએ જણાવ્યું હતું કે, મરણજનાર શિક્ષકાબેન એકલા રહેતા હતા. અને તેમની રાત્રીના છેલ્લે તેમના વતન પતિ સાથે પોણા દસ વાગ્યે ફોન પર વાત થઇ હતી. બાદમાં ગળે ટુંપો દઇને આપઘાત કરી લીધો હતો. મરણજનાર મહિલા વિકલાંગ હતા અને તેમના પતિ મધ્યાન ભોજનમાં નોકરી કરતા હતા. તે પણ વિકલાંગ છે. પતિનું હાલમાં જ બાયપાસ સર્જરી ઓપરેશન કરાવ્યું હતું. રાત્રે પતિ સાથે વાત કર્યા બાદ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. જો કે, મૃતક મહિલાના પરિવારજનોની પ્રાથમિક પુછપરછમાં બનાવ પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી પરંતુ પોલીસ આગળની તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.

હતભાગી શિક્ષિકા વીણાબેન દૂધરેજીયા મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણાના વતની હતી. વર્ષ- ૨૦૨૩માં સપ્ટેમ્બર મહિનામાં તેમની નિમણુંક કચ્છના ખાવડા નજીકની તુગા પ્રાથમિક શાળામાં નિમણુંક થઈ હતી. દિવ્યાંગ શિક્ષિકાએ ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધાની ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બીજીતરફ શિક્ષિકાએ શા માટે આત્મહત્યા કરી લીધી છે તે અંગેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મોતનું સાચું કારણ જાણવા ખાવડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

દરમિયાન, શિક્ષક આલમમાંથી એવી વિગતો બહાર આવી રહી છે કે, શિક્ષિકા વીણાબેને મંગળવારે પોતાની શાળા દ્વારા ગામમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન તેમણે ખેંચેલી તસ્વીરો પણ સ્ટેટસમાં મુકી હતી. અને ત્યારબાદ રાત્રિના ગળેફાંસો ખાઈ લીધો.  વિણાબેન સ્વભાવમાં સરળ અને કર્મનિષ્ઠ હતા.

નજીકના દિવસોમાં રક્ષાબંધનનો પર્વ હોઈ તેમણે ભાઈઓ માટે રાખડીની પણ ખરીદી કરી હતી. ગળાફાંસો ખાતા પહેલા શિક્ષિકાએ પોતાના પતિ સાથે વીડિયો કોઈ પર વાત કરી હતી. શિક્ષિકાના પતિના જણાવ્યાનુસાર વીડિયો કોલ પર વાત થઈ ત્યારે કોઈ અજાણ્યા નંબર પર ફોન આવતા હોવાની જાણ તેમને કરી હતી. 

બનાવની રાત્રિએ શાળાના આચાર્યને કોઈ અજાણ્યા ભાઈએ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, વિણાબેન સાથે મારી વાત થઈ ગઈ છે અને જે ખાસ કેસ ચાલતો હતો તે પતિ ગયો છે તેવો મેસેજ આપવાનું કહેતા આચાર્યએ વિણાબેનને ફોન કર્યો પરંતુ નો રિપ્લાય આવ્યો હતો, જેથી, આચાર્યએ વિણાબેનની નજીકમાં રહેતા અન્ય બેનને ફોન કરીને વાત કરાવવા કહ્યું,જેથી તેઓ વિણાબેનના ઘરે જઈ દરવાજો ખટખટાવ્યો પરંતુ દરવાજો ન ખુલતા ખુલી રહેલી બારીમાં જોયું તો વિણાબેન ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. 

ખાવડા પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના રાત્રિના ૧૦.૩૦થી ૧૦.૪૫ના અરસામાં બની હોઈ શકે. પોલીસને જાણ કરાયા બાદ રાત્રિના ૧૧.૧૫ વાગ્યે મુલાકાત કરાઈ હતી પરંતુ શિક્ષિકા મૃત હાલતમાં જણાઈ આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે શિક્ષિકાના મોબાઈલ ફોનથી તેમના પરિવારને જાણ કરાઈ હતી. જેથી, આજે સવારે તેમના પતિ, ભાઈ અને ભાણેજ ખાવડા આવી પહોંચ્યા હતા. પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા બાદ શિક્ષિકાના મૃતદેહને વતન પાલીતાણા લઈ જવાયો હતો. બનાવના સ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ કે અન્ય કંઈ મળ્યું નથી. વિણાબેનનો લગ્ન ગાળો ૧૪ વર્ષનો હતો. સંતાનમાં ૧૨ વર્ષની દિકરી સૃષ્ટિ અને ૯ વર્ષનો નકુલ નામનો પુત્ર છે. 

દરમિયાન, વિણાબેનના પતિ રામદાસે કહ્યું હતું કે, બનાવની રાત્રિએ ૯.૪૫ વાગ્યાના અરસામાં તેમની વીડિયો કોલથી વાત થઈ હતી. પોતે રવિવારે વતન આવે છે અને રક્ષાબંધનના ભાઈને બાંધવા ખરીદેલી રાખડી બતાવી હતી. પોતે ખુશ જણાતી હતી પરંતુ ૧૦.૪૫ કલાકના અરસામાં કોઈ અજાણ્યા વ્યકિતએ તેમને ફોન કરીને બનાવની જાણકારી આપી હતી. તેમની પત્નીને સોમવારની સાંજથી કોઈના ફોન આવતા હતા જેથી, ગભરાઈને આ પગલું ભર્યાનું અનુમાન વ્યકત કરાયું છે. બનાવને પગલે બન્ની- પચ્છમ સહિત કચ્છના શિક્ષકોએ દુઃખ વ્યકત કર્યું હતું.

આ સમગ્ર બનાવમાં શિક્ષિકાનો ફોન પોલીસને સોંપવામાં આવ્યો છે અને છેલ્લે કોની કોની સાથે, કયારે વાત થઈ તેની કોલ ડીટેઈલ આવ્યા બાદ મોતનું કારણ બહાર આવી શકે તેમ છે.

– જિલ્લા ફેર બદલીની અરજીનો નિકાલ આવે તે પહેલા દુનિયા છોડી દીધી, હતાશામાં પગલું ભર્યું હશે!!

તુગા પ્રાથમિક શાળાના વિદ્યા સહાયક વિણાબેનના આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. તે વચ્ચે એક એવી હકીકત બહાર આવી રહી છે કે, તેમને વતનમાં જવા માટે જિલ્લા ફેર બદલીની અરજી કરી હતી. તેમના પતિ રામદાસભાઈની તબિયત સારી ન હોવાથી અને બાયપાસનું ઓપરેશન કરાવેલ હોવાથી તેમને વતનમાં બદલી માંગી હતી. અને આ બાબતે તાલુકા પંચાયત ભુજ કક્ષાએ અધુરાશના કારણે અરજી પેન્ડિંગ છે. આ બાબતે તાલુકા પંચાયતના સંબંધિત વિભાગના એક કર્મીએ જણાવ્યું હતું કે, તેમને વતનમાં જવા કરેલી જિલ્લા ફેર બદલીની અરજીમાં અધુરાશો હોવાથી બે વખત રૂબરૂ તાલુકા પંચાયતમાં બોલાવાયા હતા. અને મોટા ભાગની અધુરાશ પૂર્તતા તરફ હતી જો કે, ત્યારબાદ તેઓ કચેરીમાં આવ્યા નથી. કયાંક આ બાબત પણ તેમના આપઘાત પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર તો નથી ને? તેવી પણ શંકા જાગી છે. વળી, બીજી એવી પણ ચર્ચા છે કે, તેમને કોઈ હેરાન પરેશાન કરતો હોવાથી આવું પગલું ભર્યું હોઈ શકે! જો કે, સમગ્ર ઘટના ક્રમ મામલે મોબાઈલ કોલ ડીટેઈલના આધારે ખાવડા પોલીસે તપાસ આદરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *