Surat Corporation Bribe Case : સુરત શહેરના માજી મેયર પાસે હાલના કોર્પોરેટર દ્વારા બિસ્માર મિલ્કતની નોટિસ દફતરે કરાવી આપવા માટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હોવાના આક્ષેપ બાદ ભારે હોબાળો થયો છે. વયો વૃદ્ધ એવા માજી મેયરે કેમેરા સામે કોર્પોરેટર દ્વારા એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. એક લાખ રૂપિયા આપો તો અરજી દફતરે કરાવી દઉ મારે અધિકારીને પૈસા આપવા પડે તેવી વાત કરી હતી. આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે અને ભારે હોબાળો થઈ રહ્યો છે.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં ફુલડાપા વિસ્તારમાં રહેતા સુરતના માજી મેયર ચીમન પટેલનું મકાન જર્જરિત છે અને તેના માટે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. સુરતના મેયર તરીકે 30-10-81થી 10-2-82 સુધી કામગીરી કરી હતી. હાલ તઓ વયો વૃદ્ધ છે અને તેમનું મકાન પણ જર્જરિત છે. તેઓ આજે વરાછા ઝોન ઓફિસ પર આવ્યા હતા ત્યારે તેઓએ પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.
માજી મેયરે કેમેરા સામે જણાવ્યું હતું કે, મારા મકાન માટે પાલિકાએ નોટિસ આપી છે તેના માટે ઝોનલ ઓફિસરને ફોન કરૂ છું પરંતુ તેઓ ફોન રિસિવ કરતા નથી દરમિયાન કોર્પોરેટર નિરાલી પટેલે તેમને એવું કહ્યું હતું કે, એક લાખ રૂપિયા આપો તો અરજી દફતરે કરાવી દઉ મારે અધિકારીને પૈસા આપવા પડશે. આવી વાત સાંભળીને માજી મેયર ચોંકી ગયાં હતા તેઓ વરાછા ઝોન કચેરી દોડી આવ્યા હતા અને પોતાની નોટિસ અંગે પુછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન તેઓએ નિરાલી પટેલ દારૂના અડ્ડાવાળા પાસે પણ ગપ્તા લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો. માજી મેયરના આવા ગંભીર આક્ષેપ બાદ સુરતનું રાજકારણ ગરમાયું છે.
કોર્પોરેટર દોષિત સાબિત થાય તો તેમની પદ પરથી હટાવી દેવા જોઈએ : સુરેશ સુહાગીયા
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના માજી સભ્ય સુરેશ સુહારીયાએ જણાવ્યું હતું કે, આજે વરાછા ઝોનની મુલાકાત દરમિયાન માજી મેયરની મુલાકાત થઈ હતી. તેઓએ તેમની પાસે હાલના કોર્પોરેટરે પૈસા માંગ્યા હોવાની વાત કરી છે તે ઘણી જ ગંભીર છે. સુરતના પ્રથમ નાગરિક હતા તેવી પાસે ચાલુ કોર્પોરેટર પૈસા માંગે તે ઘણી જ ગંભીર બાબત છે. મેયર અને કમિશ્નર સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરાવે તે જરૂરી છે. કોર્પોરેટર દોષિત સાબિત થાય તો તેમની પદ પરથી હટાવી દેવા જોઈએ.