Vadodara News : વડોદરામાં દક્ષિણ ગુજરાતની પરંપરા મુજબ નોળી નોમ નિમિત્તે આજે અનાવિલ પ્રગતિ મંડળ મહિલા પાંખ દ્વારા કારેલીબાગના મહાદેવ દેસાઈ અનાવિલ ભવન ખાતે રોટલા ઘડવાની હરીફાઈ યોજાઈ હતી. જેમાં 25 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
મંડળના મંત્રીના જણાવ્યા અનુસાર આ સ્પર્ધાના પ્રારંભ પૂર્વે પરંપરા અનુસાર નોળિયો બનાવી તેની પૂજા કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નોળી નોમનું ખૂબ જ મહત્વ છે. દક્ષિણ ગુજરાતમાં આમ પણ ખોરાકમાં જુવારનું ચલણ વધુ છે. એટલે રોટલા પણ જુવારના જ બનાવવામાં આવે છે. આની સાથે-સાથે નવજાતના કઠોળનું વરડું મહિલાઓ બનાવે છે. આ કઠોળમાં મગ, ચોળા, તુવર, મઠ, વટાણા વગેરેનો સમાવેશ થાય છે. બે દિવસ અગાઉ આ કઠોળને પલાળી અને ફણગાવી દેવામાં આવે છે, અને અહીં તેમાં લીંબુ, લીલા મરચાં, નમક વગેરે નાખીને તેને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે.
મહિલાઓને રોટલા બનાવવા માટે અડધો કલાકનો સમય આપવામાં આવે છે, અને તેમાં 15 રોટલા બનાવવાના હોય છે. રોટલા કેવા બન્યા તે માટે બે જજ પણ નિયુક્ત કરવામાં આવે છે. જેઓ રોટલાની સાઈઝ, અડધો કલાકના સમયમાં રોટલા બરાબર બન્યા છે કે કેમ ? રોટલા ફૂલેલા છે કે કેમ ? બરાબર શેકાયા છે કે કેમ ? તે બધાનું મૂલ્યાંકન કરીને એક થી પાંચ બહેનોને નંબર આપવામાં આવે છે. જેઓને સર્ટીફીકેટ અને ઇનામ આપવામાં આવે છે. 25 મહિલાઓ દ્વારા 300 થી વધુ રોટલા બન્યા બાદ અહીં આવેલા મહિલાઓના સ્વજનો વગેરે તેનો પ્રસાદ લે છે. વડોદરામાં છેલ્લા 15 વર્ષથી આ પ્રકારની રોટલા બનાવવાની સ્પર્ધા યોજવામાં આવે છે. 18 વર્ષથી માંડીને કોઈપણ ઉંમર સુધીની અનાવિલ મહિલા આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.