Image: X
Rajasthan Flood: રાજસ્થાનના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદથી પૂર આવી ગયું છે. દરેક સ્થળે ડેમ અને જળાશય પાણીથી ભરાઈ ચૂક્યા છે. શહેરોના માર્ગો ધોવાઈ રહ્યાં છે પરંતુ આ સંકટની સ્થિતિમાં લોકો કોને પોતાનું દુ:ખ કહે, એ કોઈને ખબર નથી. લોકોને આપત્તિ વિશે ખબર છે પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી કોણ છે? તેની જાણકારી કોઈને નથી કેમ કે જેમને મંત્રાલય મળ્યું હતું, તેમણે રાજીનામું આપી દીધું. હવે જ્યારે વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે જે મંત્રી પહેલા હતાં, તે હજુ પણ છે એટલે કે કિરોડીલાલ મીણા.
પૂર્વ સીએમ અશોક ગેહલોતે ટ્વિટ કરી લખ્યું કે મુખ્યમંત્રીએ સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ, જેનાથી યોગ્ય મોનિટરિંગ અને રાહત બચાવ કાર્યો માટે દિશા મળી શકે. વિકટ પરિસ્થિતિઓમાં આવી અસમંજસની સ્થિતિ રાજ્યની જનતાની સાથે દગા જેવું છે. ગેહલોતની આ ટ્વિટથી રાજકીય હોબાળો મચેલો છે. અશોક ગેહલોતે એ પણ લખ્યું છે કે રાજ્યભરમાં ભારે વરસાદ અને તેનાથી સંબંધિત દુર્ઘટનાઓના કારણે 25થી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી આપત્તિની સ્થિતિમાં રાજ્યના આપત્તિ રાહત મંત્રી વિશે જનતાને એ પણ ખબર નથી કે તે પદ પર છે કે તેમનું રાજીનામું સ્વીકાર થઈ ગયું છે.
રાજસ્થાનના સાત જિલ્લા પૂરથી ઝઝૂમી રહ્યાં છે. કરૌલી જિલ્લામાં ઘર, દુકાનો અને બજાર બધું પૂરમાં ડૂબેલું છે. ચાર દિવસથી લોકો એ રાહ જોઈ રહ્યાં છે કે આખરે કોને વિનંતી કરીએ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી કોણ છે? આ જ એક રહસ્ય થઈ ગયું છે. કિરોડી લાલ મીણા આ વિભાગના મંત્રી હતાં. તેઓ પદ પરથી રાજીનામું આપી ચૂક્યાં છે પરંતુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ કહી રહ્યાં છે કે મીણા જ મંત્રી છે. કોંગ્રેસે મુખ્યમંત્રી પાસે જવાબ માગ્યો કે રાજસ્થાનના આપત્તિ રાહત મંત્રી કોણ છે જવાબ આપો, રાહતની જવાબદારી કોની છે.