Surat Corporation : સુરત પાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં રજુ કરેલા 4121 કરોડના કેપીટલ કામો પુરા કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી સતત ગ્રાન્ટની માંગણી કરવામાં આવે છે. આ માટે સુરત પાલિકાએ રાજ્ય સરકાર પાસેથી 3365 કરોડની ગ્રાન્ટની માંગણી કરી છે. એક તરફ પાલિકા પ્રાથમિક સુવિધા અને વિવિધ પ્રોજેકટ માટે સરકાર પાસે ગ્રાન્ટની માગણી કરી રહી છે, તો બીજી તરફ પાલિકાના વિવિધ કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે. તેના કારણે હવે પાલિકાએ પ્રોજેક્ટ સાથે-સાથે વિવિધ કાર્યક્રમો માટે ગ્રાન્ટ લેવી પડે તેવો ઘાટ થાય તો નવાઈ નહીં.
સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી લોકાર્પણ, ખાત મુર્હુત, વિવિધ યાત્રાઓના કાર્યક્રમ કરે છે. પરંતુ આ કાર્યક્રમ એટલા બધા ભપકાદાર હોય છે કે પાલિકાને એક નાના કાર્યક્રમ પાછળ પણ લાખો કે કરોડો રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. સુરત પાલિકાએ ત્રણ વર્ષમાં વિવિધ કાર્યક્રમમા માત્ર મંડપ પાછળ જ 8.35 કરોડનો ખર્ચ કર્યો છે. ત્રણ વર્ષમાં આ ખર્ચ માત્ર કાર્યક્રમ માટેના મંડપનો છે ત્યાર બાદ સાઉન્ડ, લાઈટ, ડેકોરેશન સહિત અનેક ખર્ચ કરવામા આવે છે તેનો પણ આંકડો મોટો છે. પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ લોકો ભેગા થતા ન હોવાથી સ્કુલના બાળકો કે કર્મચારીઓને ભીડ દેખાવવા બેસાડવા પડે છે તેવી હાલત છે.
સુરત પાલિકા પાસેથી મળેલી માહિતી મુજબ, વર્ષ 2021-22માં વિવિધ કાર્યક્રમોમાં મંડપ સર્વિસ માટે 1.35 કરોડ, વર્ષ 2022-23માં 1.97 કરોડ અને વર્ષ 2023-24 દરમિયાન પાંચ કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. ત્રણેય નાણાંકીય વર્ષમાં મંડપ સર્વિસ માટે પાલિકાના ચોપડે 8.35 કરોડનો ખર્ચ કરી દેવામા આવ્યો છે. પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો પાછળ આડેધડ ખર્ચ કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટની માગણી કરવામાં આવે છે. તેથી હવે કાર્યક્રમ માટે પણ ગ્રાન્ટની માંગણી કરે તો નવાઈ નહીં તેવી ચર્ચા થઈ રહી છે.