Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં આપવામાં આવતા વિવિધ કોન્ટ્રાક્ટમાંથી કેટલાક કોન્ટ્રાક્ટમાં માનિતી એજન્સીને કામ આપવા માટે દલા તરવાડી જેવો ઘાટ કરી દેવામા આવે છે. હાલમાં જ પાલિકામાં મેનપાવર સપ્લાય કરનારી એજન્સીને ટેન્ડર વિના જ ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ આપ્યા બાદ હવે યુ ટર્ન લેવાની પાલિકાને ફરજ પડી છે. હાલમાં જ મેનપાવર સપ્લાય કરનારી એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ નવા ટેન્ડર વિના જ એક પત્રના આધારે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી અને સ્થાયી સમિતિએ 1 નવેમ્બર 2023થી ત્રણ વર્ષ સુધી, દર વર્ષે 10 ટકા ભાવવધારો આપવાની શરતે ઇજારો સોંપી દીધો હતો. હવે વિવાદ થતાં ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. અને તેમાં તંત્ર અને શાસકોની માનીતી કંપની સાથે વધુ એજન્સીની ઓફર આવી છે. 

સુરત પાલિકાના વિવિધ ઝોન સિવિક સેન્ટર, હોસ્પિટલ, હેલ્થ સેન્ટર, આકારણી વેરો વસુલાત સહિતની કામગીરી માટે પાલિકા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સપ્લાય કરવાનો ઇજારો લેનાર એજન્સી આકાર એચ.આર. મેનેજમેન્ટ પ્રાઇવેટ લિ. તથા સુકાની એચ.આર.મેનેજમેન્ટ પ્રાઇવેટ લિ.ને કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી માટે ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તે પૂરો થતાં એજન્સીએ જુના ભાવે કામગીરી કરવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રને આધાર લઈને તંત્રએ સ્થાયી સમિતિ સમક્ષ  નિર્ણય કરવા માટે દરખાસ્ત રજુ કરી હતી. અને સ્થાયી સમિતિએ પણ સ્ક્રીપ્ટ પ્રમાણે 1 નવેમ્બર 2023થી ત્રણ વર્ષ સુધી, દર વર્ષે 10 ટકા ભાવવધારો આપવાની શરતે ઇજારો સોંપી દીધો હતો.

સુરત પાલિકાએ કોઈ પણ જાતના ટેન્ડર વિના દર વર્ષે 10 ટકા વધારાના ભાવે  ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. જે સીવીસીની ગાઈડ લાઈનનો ભંગ હોવાનું પણ કહેવાય રહ્યું છે અને આ માટે કાયદાકીય ગુંચ ઉભી થાય અને નિર્ણયને પડકારવામાં આવે તેવું લાગતા હવે યુ ટર્ન લેવાની ફરજ પડી છે. ટેન્ડર વિના જ 80 કરોડથી વધુનો ખર્ચ ધરાવતા કોન્ટ્રાક્ટ આપી દેવાતાં વિવાદ ઉભો થયો તો. તેના સાતેક મહિના પુરા થયાં બાદ હવે પાલિકાને બ્રહ્મજ્ઞાન થયું છે. અને નવા કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા જેમાં છ એજન્સીની ઓફર આવી છે. આ પહેલા પાલિકા દ્વારા હાલ જે એજન્સી કામ કરે છે તે જ ક્વોલિફાય થાય તેવા નિયમો બનાવી ટેન્ડર બહાર પડાતા હતા પરંતુ હવે તેમાં પણ સ્પર્ધા થઈ રહી છે અને છ એજન્સીની ઓફર આવી છે. 

વાર્ષિક વીસેક કરોડની આસપાસનો કોન્ટ્રાક્ટ માટે 740 ઓપરેટરની ઓફર મંગાવી છે. તેના કારણે હવે તંત્ર દ્વારા હાલ જે ટેન્ડર વિના ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે. તેને બદલે નવો કોન્ટ્રાક્ટ કરશે અને તેમાં 1200 જેટલા ઓપરેટરનો ઈજારો આપવામાં આવશે. અત્યાર સુધી સેટિંગમાં કોન્ટ્રાકટ આપાતા હતા તેવો આક્ષેપ કરવામાં આવતો હતો. હવે નવા ટેન્ડરમાં પણ પાલિકા-શાસકોના માનિતા ઈજારદાર આવે છે કે, નવા ઈજારદારો આવે છે તે સમય જ બતાવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *