Gujarat Ministers Attended Gujarati Convention In America : USA ખાતે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન દ્વારા આયોજીત ‘વન ગુજરાત, વન ગુજરાતી, વન વોઈઝ’ની ગુજરાતી કન્વેન્શન 2024 યોજાઈ હતી. આ કાર્યક્રમમાં 15000થી વધુ ગુજરાતીઓ સહભાગી બન્યાં હતા જેમાં અમેરિકાના ડલ્લાસ ખાતે 100 જેટલી ગુજરાતી સમુદાયની સંસ્થાઓએ સંયુક્તપણે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન ફોગા (FOGA) સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. અમેરિકામાં લગભગ 1.7 મિલીયન ગુજરાતીઓ વસે છે, ત્યાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ આ વખતે ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન દ્વારા યુનાઈટેડ ગુજરાતી સમિટ 2024નું પહેલી વખત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
30 વર્ષ પછી ગુજરાત સરકારના મંત્રીઓને અમેરિકામાં જોયા
ત્રણ દિવસના ગુજરાતી કન્વેન્શન 2024માં ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઇ અને જગદીશ વિશ્વકર્માએ અમેરિકામાં વસતા ગુજરાતીઓ સાથે મુલાકાત કરી હતી. અમેરિકાના મૂળ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ‘અમે 30 વર્ષ પછી ગુજરાત સરકારના મંત્રીઓને અમેરિકામાં જોયા છે.’
ગુજરાતીઓ ગુજરાતને બદલે કર્ણાટકમાં ઈન્વેસ્ટ કરે છે
અમેરિકાના પ્રવાસે ગયેલા ગુજરાત સરકારના મંત્રીઓએ ટ્રમ્પના પ્રચાર માટે ગયા હોવાની વાતને નકારતા કહ્યું હતું કે, ‘તેમણે આ કાર્યક્રમમાં મૂળ ગુજરાતીઓને ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટે જણાવ્યું હતું.’ ગુજરાત સરકારના મંત્રીઓને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ ગુજરાતને બદલે કર્ણાટકમાં ઈન્વેસ્ટ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા નેતાઓને આમંત્રણ હતું. જેમાં આણંદના ધારાસભ્ય વિપુલ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી હાજર રહ્યા હતા.