– અમેરિકાએ ઇઝરાયેલ માટે સબમરીન તૈનાત કરી, ચીન ઇરાનના સમર્થનમાં ઉતર્યું

– ઇરાનના હુમલાની ભીતિને પગલે ઇઝરાયેલે તમામ ડિફેન્સ સ્ટાફના વિદેશ પ્રવાસ પર રોક લગાવી, ઇમર્જન્સી બેઠક મળી

– ઇરાન ઇઝરાયેલ પર હુમલા કરશે તો યુદ્ધ ફાટી નિકળશે બ્રિટન, ફ્રાન્સ, જર્મનીએ સંયુક્ત નિવેદનમાં શાંતિની અપીલ કરી

તેલ અવીવ : ઇઝરાયેલ પર ગમે ત્યારે ઇરાન મોટા હુમલા કરી શકે છે, જોકે તે પહેલા ઇઝબુલ્લાહે એક સાથે ૩૦ રોકેટ છોડયા હતા અને ઇઝરાયેલના સૈન્ય બેઝને ભારે નુકસાન પહોંચાડયું હતું. ઇઝરાયેલે જણાવ્યું હતું કે રવિવારે આખી રાત લેબનોનથી હિઝબુલ્લાહે રોકેટમારો ચાલુ રાખ્યો હતો. આ તમામ રોકેટ કબારી પ્રાંતમાં પડયા હતા, જોકે કોઇ મોટી જાનહાની સામે નથી આવી, જ્યારે ઇરાન પણ ગમે ત્યારે હુમલા શરૂ કરી શકે છે. આ ભીતિ વચ્ચે ઇઝરાયેલે પોતાના દેશના તમામ સુરક્ષાદળો માટે વિદેશ પ્રવાસ સસ્પેન્ડ કરી દીધો છે. 

ઇરાનના સંભવીત હુમલાને પગલે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની આગળ આવ્યા છે અને ઇરાનને ઇઝરાયેલ પર હુમલો ના કરવા અપીલ કરી છે. તમામ દેશ દ્વારા એક સંયુક્ત નિવેદન જાહેર કરાયું છે અને અપીલ કરાઇ છે કે ઇઝરાયેલ પર જો ઇરાન હુમલો કરશે તો સ્થિતિ વધુ કથળી શકે છે. આ સંયુક્ત નિવેદનને બ્રિટનની સરકાર દ્વારા સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ લોકોને અપીલ કરી હતી કે ગાઝામાં જે પણ નાગરિકો ઇઝરાયેલના હુમલાથી અસર પામ્યા છે તેમને તાત્કાલીક મદદ પહોંચાડવામાં આવે અને હવે આ યુદ્ધનો અંત લાવવામાં આવે. 

બીજી તરફ ઇઝરાયેલ હજુ પણ ગાઝામાં હુમલા કરી રહ્યું છે, છેલ્લા ૨૪ કલાકમાં ઇઝરાયેલના હુમલામાં પેલેસ્ટાઇનના ૨૫ નાગરિકો માર્યા ગયા છે. પેલેસ્ટાઇન સેન્ટ્રલ બ્યૂરો દ્વારા જારી આંકડામાં દાવો કરાયો છે કે ઇઝરાયેલે ગાઝા પટ્ટીની ૧.૮ ટકા વસતીનો સફાયો કરી નાખ્યો છે, જેમાં ૭૫ ટકા પીડિતો ૩૦થી ઓછી વયના છે. સાથે જ દાવો કર્યો છે કે ઇઝરાયેલે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં શરૂ કરેલા હુમલામાં અત્યાર સુધીમાં ૧૬ હજાર બાળકો માર્યા ગયા છે. જ્યારે ઇઝરાયેલે ખાન યુનુસ પ્રાંતને ખાલી કરી દેવા આદેશ આપ્યા છે, આ વિસ્તારમાં ઇઝરાયેલ ગમે ત્યારે હુમલા કરી શકે છે. ઇરાન ગમે ત્યારે ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે જેને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલની ડિફેન્સ કમિટી દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. સાથે જ ઇઝરાયેલના તમામ ડિફેન્સ સ્ટાફના વિદેશ જવા પર હાલ રોક લગાવી દીધી છે. 

ઇરાનના મોટા હુમલાની ભીતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઇઝરાયેલની સુરક્ષા વધારી દીધી છે. અમેરિકાએ ઇઝરાયેલ માટે ગાઇડેડ મિસાઇલ સબમરીન તૈનાત કરવા આદેશ આપ્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી લોયાડ ઓસ્ટિને અમેરિકાના અબ્રાહમ લિન્કન સ્ટ્રાઇક ગુ્રપને ઇઝરાયેલની મદદ માટે સબમરીન તૈનાત કરવા કહ્યું છે. ઇઝરાયેલ અને ગાઝા વચ્ચેના હુમલા અને હવે ઇરાનની ધમકી અમેરિકામાં ચૂંટણી પ્રચારનો મુદ્દો પણ બન્યા છે. બીજી તરફ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ૧૫મી ઓગસ્ટના રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ શકે છે. આ બેઠકમાં ઇઝરાયેલ પોતાના નાગરિકોને છોડી મુકવા માટે હમાસ પર દબાણ લાવી શકે છે. 

હાલ ઇઝરાયેલ પર હમાસ, હિઝબુલ્લાહ અને ઇરાન એમ ત્રણેય તરફથી મુશ્કેલીના વાદળો ઘેરાયેલા છે અને ગમે ત્યારે હુમલા થઇ શકે છે. એક તરફ અમેરિકા ઇઝરાયેલને સમર્થન આપી રહ્યું છે જ્યારે બીજી તરફ ચીન ઇરાનના સમર્થનમાં આગળ આવ્યું છે. અગાઉ રશિયા પણ ઇરાનના સમર્થનમાં આગળ આવ્યું હતું. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે હમાસ નેતાની ઇરાનમાં હત્યા કરવા હુમલો થયો હતો, આ હુમલો કરીને ઇરાનની સુરક્ષાનો ભંગ કરવામાં આવ્યો છે, ઇરાનને પોતાના દેશની રક્ષા કરવાનો પુરો અધિકાર છે અને ચીન તેની સાથે છે.    અગાઉ રશિયાના વડા પુતિને પણ ઇરાનનું સમર્થન કર્યું હતું. જેને પગલે હાલ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.   બીજી તરફ ઇરાન હુમલો કરે તે પહેલા હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર હુમલા કરીને ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો, એક સાથે ૩૦ રોકેટ છોડીને હિઝબુલ્લાહે ઇઝરાયેલના સૈન્ય મથકનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *