અમદાવાદ,રવિવાર
પૂર્વ વિસ્તારમાં નરોડાથી નિકોલ વચ્ચે હિટ એન્ડ રનની વધુ એક ઘટના બની હતી જેમાં સગીરાને મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો હતો. જેમાં નિકોલમાં દાસ્તાન સર્કલ પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું અને બાઇક ચાલક યુવક ઘાયલ થયો હતો. જેમાં યુવક કોલેજનું ફોર્મ ભરવા જતો હતો અને પડોશી સગીરાને કઠવાડા ઉતારવા જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માત થયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
યુવક કોલેજનું ફોર્મ ભરવા જતી વખતે પાડોશી સગીરાને કઠવાડા ઉતારવા જતા અકસ્માત ઃ ટ્રાફિક પોલીસે ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
ઠક્કરનગરમાં રહેતા અને અભ્યાસ કરતા યુવકે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૦ના રોજ યુવક તેના પિતાનું બાઇક લઇને કોલેજની ફી ભરવા જવા ગયો હતો. જ્યાં રસ્તામાં પડોશમાં રહેતી સગીરાને કઠવાડા જવાનું હોવાથી યુવક સાથે બાઇક પર જવા નીકળી હતી.
બન્ને નિકોલ એસપી રીંગ રોડ ઉપર દાસ્તાન સર્કલ પાસે પહોંચ્યા ત્યારે આઇવા ડમ્પર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બન્ને રોડ ઉપર પટકાયા હતા. જેમાં સગીરાને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે સગીરાને મૃત જાહેર કરી હતી. તેમજ યુવકને પગે ઇજા થઇ હતી. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આસપાસા સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.