અમદાવાદ,શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે. બહેરામપુરામાં યુવકે પડોશી શખ્સને સાઇડમાં હટવાનું કહેતા ઉશ્કેરાઇ ગયો હતો અને પાવડાથી હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં યુવક ચા પીવા ગયો હતો ત્યાં રસ્તામાં શખ્સ ઉભો હોવાથી હટી જવાનું કહેતા મારા મારી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પગે ગંભીર ઇજા થતાં સારવાર બાદ પડોશી સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
દાણીલીમડામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૮ જુલાઇએ ફરિયાદી યુવક સંતોષનગર ચાર રસ્તા પાસે આવેલ ચાની કીટલી પર ચા પીવા ગયા હતા આ સમયે આરોપી રસ્તામાં ઉભો હતો. જેથી ફરિયાદી યુવકે તેને સાઇડમાં હટવાનું કહેતા એકદમ ઉશ્કેરાઇને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો.
એટલું જ નહી લાફા મારીને બાજુમાં પડેલ પાવડા વડે ફરિયાદી યુવક ઉપર હુમલો કર્યો હતો. જેથી બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. બીજીતરફ ઇજાગ્રસ્ત શ્રમજીવી યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.