– મોટા વરાછાના રત્નકલાકાર સાથે મિત્રતા કેળવી વિડીયો વાયરલ કરવા ધમકી આપી રૂ. 75 હજાર માંગીને રૂ. 20 હજાર પડાવ્યા
સુરત
સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મની અલગ-અલગ ડેટિંગ એપ થકી લોકોની સાથે મિત્રતા કેળવ્યા બાદ હું પણ ગે છું એમ કહી સજાતીય સુખ માણવા અમરોલી વિસ્તારમાં બોલાવી નગ્ન કે અર્ધનગ્ન ફોટો અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ખંખેરતી સાટીયા ગેંગ વિરૂધ્ધ વધુ એક રત્નકલાકારે ફરિયાદ નોંધાવી છે.
અમરોલી પોલીસે બાતમીના આધારે અંકિત ભરત ત્યાગી (ઉ.વ. 22 રહે. હરગોવન રબારીના મકાનમાં, દેવદીપ સોસાયટી, અમરોલી અને મૂળ. બંસીધર પાર્ક સોસાયટી, ટી.બી હોસ્પિટલની પાછળ, સુરેન્દ્રનગર અને કુફોડા, તા. મનીયા, ઢોલપુર, રાજસ્થાન) અને પશુપાલક સુરેશ ઉર્ફે સૂર્યો મોતીભાઇ સાટીયા (ઉ.વ. 26 રહે. દેવદીપ સોસાયટી, અમરોલી અને મૂળ. ખોપાળા, તા. ગઢડા, બોટાદ) અને મકાન દલાલ મનોજ મગન ચૌહાણ (ઉ.વ. 52 રહે. સન એવન્યુ એપાર્ટમેન્ટ, અમરોલી અને મૂળ. રામ સોસાયટી, તા. વઢવાણ, સુરેન્દ્રનગર) તથા બાળ કિશોરને ઝડપી પાડયા હતા. જયારે સુરેશના ભાઇ વિજય મોતીભાઇ સાટીયા (ઉ.વ. 23) ને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉપરોકત ટોળકી દ્વારા સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મની બ્લુય લાઇવ એન્ડ ડેટિંગ અને ગ્રીન્ડર ઓનલાઇન ડેટિંગ સહિતની અલગ-અલગ ડેટિંગ એપ થકી પુરૂષ સાથે મિત્રતા કેળવી સજાતીય સુખ માણવાના બહાને અમરોલી મેઇન રોડ સ્થિત સહયોગ મેડિકલ નજીક આર્શીવાદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં બોલાવી નગ્ન અને અર્ધનગ્ન ફોટો અથવા વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી ગાયના ઘાસચારાના નામે પૈસા ખંખેરતા હતા. આ ટોળકી વિરૂધ્ધ અગાઉ બે ફરિયાદ નોંધાય છે. જયારે આજ રોજ મોટા વરાછાના સુદામા ચોક વિસ્તારમાં રહેતા રત્નકલાકારે સ્યાહી ચેટ મીટ ડેટિંગ પીપલ એપ થકી મિત્રતા કેળવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 75 હજારની માંગણી કરી રૂ. 20 હજાર પડાવ્યાની ફરિયાદ નોંધાવી છે.