Lok Sabha Election 2024 : સુરત લોકસભા બેઠકની મતગણતરી ઇચ્છનાથ સ્થિત એસવીએનઆઇટી ખાતે થશે. ગઈકાલે ઉચ્ચ અધિકારીઓએ કાઉન્ટિંગ હોલ અને સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા ચકાસી હતી.
આગામી સાતમી મે એ સુરત લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ 4530 મતદાન મથકો પરથી આવનારા ઇવીએમ સુરતના ઈચ્છનાથ સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુરત (એસવીએનઆઇટી) ખાતે અલગ અલગ સાત વિધાનસભા માટે ચૂંટણી અધિકારી દ્વારા બનાવાયેલા સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાશે. ત્યારબાદ ચાર જૂને મતગણતરી વખતે કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવશે. ગઈકાલે સુરત જિલ્લા કલેક્ટર અને સુરત શહેર પોલીસ કમિશનર બંને અધિકારીઓએ એસવીએનઆઇટીના કાઉન્ટિંગ હોલના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈને સિક્યુરિટી વ્યવસ્થાની તપાસ કરી હતી. સાત વિધાનસભા મતવિસ્તારના કાઉન્ટિંગ હોલમાં ઉમેદવાર અને ઉમેદવારના એજન્ટો માટે એન્ટ્રી એક્ઝિટ વ્યવસ્થા ચકાસી હતી. મતગણતરી વખતે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને સ્ટ્રોંગ રૂમમાંથી મતગણતરી હોલ સુધી લાવવા બાબતની વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો. આ સ્થળ અત્યંત સંવેદનશીલ હોઇ સીસીટીવી કેમેરાથી લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સતત રહે તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત લાઇવ વિડિયોગ્રાફી અને વેબકાસ્ટિંગની પણ ચકાસણી કરાઈ હતી. મીડિયા રૂમ, કંટ્રોલરૂમ ઓબ્ઝર્વર રૂમ, રિપોર્ટિંગ રૂમ વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી. આમ લોકસભાની ચુંટણીને લઈને તૈયારીઓ અંતિમ તબકકામાં ચાલી રહી છે.