વન વિભાગ દ્વારા કૂવામાં સીડી મૂકવામાં આવી
દીપડો જાતે સીડી ચઢીને જંગલ તરફ ભાગ્યો
કૂવામાંથી બહાર નીકળી દીપડો જંગલમાં ભાગ્યો
દાહોદના જંગલમાં આવેલ કૂવામાં દીપડો પડી જતા વન વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. શિકારીની શોધમાં દીપડો જંગલ તરફ ગયો હતો જ્યાં અંધારામાં કૂવો ન દેખાતા અંદર પડી ગયો હતો.
દાહોદના ધાનપુર તાલુકાના પિપેરો આબલી ચોકડી હોટલ પાછળના કૂવામાં દીપડો પડ્યો હતો. જેની જાણ વિસ્તારના લોકોએ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ તાબતતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને કૂવામાં સીડી મુકીને ગ્રામજનોને સાવચેત કરાયા હતા ત્યારબાદ દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું. બહાર નીકળીને દીપડો તરત જ જંગલ તરફ ભાગ્યો હતો. ત્યારબાદ ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.
મેથાણ ગામે પાણી ભરેલા કૂવામાં દીપડો પડ્યો હતો
સિંગવડ તાલુકાની રંધીકપુર RFO રેન્જના મેથાણ ગામે પાણી ભરેલા કૂવામાં દીપડો શિકારની શોધમાં પડી ગયો હતો. પાણી ઉપર તરતા રહીને દીપડાએ પોતાનો જીવ બચાવ્યો હતો. રણધીકપુર રેન્જના RFO સહિતની ટીમે દીપડાને કૂવામાંથી બહાર કાઢવા માટે ખાટલો નાખ્યો હતો. મોડી સાંજે ખાટલાને બહાર ખેંચીને દીપડાને કાઢવામાં આવશે તેવું વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દીપડો કોઇ શિકારની પાછળ પડતાં કૂવાની અંદર પડી ગયો હતો. છેલ્લા કેટલાય સમયથી વન્ય પ્રાણીઓને જંગલમાં પુરતો ખોરાક નહીં મળતાં તેઓ રહેણાંક વિસ્તારમાં ધસી આવવાના કિસ્સા બની રહ્યા છે.
કૂવામાં પડેલા દીપડાને જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા જ્યારે રંધીકપુર રેન્જના RFO મૌલિક પ્રજાપતિ સહિતની વન વિભાગની ટીમે દીપડાને કૂવામાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત હાથ ધરી હતી.