દાહોદમાં ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે તવાઇ
ગેરકાયદે 300 નોટિસો સામે માત્ર 25 % જ અરજીઓ આવતા અચરજ
ઈમ્પેક્ટ ફી ભરી મિલકતો રેગ્યુલાઈઝ કરાવવા બે-બે વખત જાહેર નોટીસો આપવા છતાં એક પણ બિલ્ડરો અરજી ન કરી હતી.
દાહોદમાં એક તરફ્ ગેરકાયદે બાંધકામ કરનારાઓ પર તવાઈ આવેલી છે. ત્યારે દાહોદમા બિલ્ડરોની નિષ્કાળજી સામે આવી રહી છે. કારણ કે ઈમ્પેક્ટ ફી ભરી મિલકતો રેગ્યુલાઈઝ કરાવવા બે-બે વખત જાહેર નોટીસો આપવા છતાં એક પણ બિલ્ડરો અરજી ન કરી હતી. જેથી ગંભીર સ્થિતિનુ સર્જન થયુ છે.
જો કે પાલિકાએ આશરે 300 જેટલી નોટીસો આપવા છતાં ઈમ્પેક્ટ ફી ભરી રેગ્યુલર કરવા માટે હજી સુધી 75 જેટલી જ અરજીઓ આવી છે. ત્યારે આટલા વિઘ્નો પછી પણ શહેરની બિલ્ડર લોબી કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યુ છે.
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગગનચુંબી ટાવરો બિલાડીના ટોપની જેમ બંધાઈ ચુક્યા છે. અને તેમાં કેટલા માળની બિલ્ડિંગ બનાવવી તે ફ્લોર સ્પેસ ઈન્ડેક્સના નિયમો પ્રમાણે બાંધ્યા છે કે, કેમ તે પણ તપાસનો વિષય છે. નકશા મંજૂરી, રજા ચિઠ્ઠી, બાંધકામની પરવાનગી, ફાયર NOC, BU વગેરે છે કે, કેમ તે પણ સંશોધનનો વિષય છે. ત્યારે રાજકોટમા ગેમઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચાલે છે. પરંતુ દાહોદમાં આ મામલે આભ ફટયું છે. ત્યારે થિંગડુ ક્યાં દેવુ એવી સ્થિતિનુ સર્જન બિલ્ડર લોબીની લાલિયાવાડીને કારણે જ થયુ છે.કારણ કે ગુજરાત સરકારે આવા બાંધકામો રેગ્યુલાઈઝ કરવા માટે ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુકયો છે. તે પ્રમાણે તા. 1-10-22 પહેલા થયેલા આવા બાંધકામો રેગ્યુલાઈઝ કરવા માટે નિયત સમયમાં જરુરી આધાર પુરાવા સાથે અરજી કરવાની હોય છે. જેથી આ કાયદા અનુસાર દાહોદ નગર પાલિકાએ તા.20-12-22 અને 3-11-23ના રોજ જાહેર નોટીસો બહાર પાડી હતી અને છેલ્લે કાયદેસરની તેમજ ફેજદારી કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારી હતી. છતાં દાહોદના એક પણ બિલ્ડરનુ રુંવાડુ શુદ્ધા ફરક્યું ન હતુ. તેમાંયે 45 બિલ્ડરોએ કોઈ પણ આધાર પુરાવા વિના અરજીઓ કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યુ હતુ. આવા દાહોદમાં નાના મોટા કુલ 300 થી વધારે બાંધકામ થયેલા હતા. અને તે પૈકી ઘણી મોટી સંખ્યામા નોટીસો આપવામા આવી હતી. જે તે સમયે આવા 255 બાંધકામ વર્ગીકૃત કરાયા હતા. તમામને નોટીસો અપાઇ હતી. ત્યારે હવે પોતાના જ રુઆબમા રાચનારા બિલ્ડરોના પગ નીચેથી જમીન સરકી રહી છે. હવે આ બાબતે કોઈ પણ બાંધછોડ નગર પાલિકા ધારે તો પણ કરી શકે તેમ નથી. કારણ કે આ કામગીરી સરકારના આદેશથી વિભાગીય મ્યુનિસિપલ કમિશનરની સુચનાથી ચાલે છે અને અહીં સીધી નજર કલેક્ટરની છે ત્યારે કોઈ પણ ચમરબંધીને છોડવામા નહી આવે તેવુ હાલના તબક્કે કહેવાઈ રહ્યુ છે. જાણવા મળ્યા પ્રમાણે, લગભગ કોઈ પાસે બિલ્ડીંગ યુઝ સર્ટિફ્કિેટ નથી ત્યારે હજી ડિસેમ્બર 2024 સુધીની મુદત હોવાથી ઈમ્પેક્ટ ફીના કાયદાનો લાભ લઈ ને આ માલેતુજાર બિલ્ડરો કેટલાયે લોકોને બેઘર થવાથી બચાવી લે તે તેમની નૈતિક ફરજ છે.તેમ છતાં હજી સુધી માત્ર 75 જેટલી જ અરજીઓ આવી છે.
જો કડકાઈ નહીં થાય તો ગંભીર પરિણામો આવશે
જે તે વખતે પાલિકાએ બાંધકામની પરવાનગી,બિલ્ડીંગ યુઝ સર્ટિફ્કિેટ, ફાયર સેફ્ટી, એનઓસી જેવા વિષયોને લઈને નોટીસો ફ્ટકારી હતી. જેના માટે બે દિવસથી માંડીને પાંચ દિવસનો જ સમય આપ્યો હતો. આશરે 250થી 300 જેટલી નોટીસો ફ્ટકારવા છતાં માત્ર 70-75 અરજદારો જ કાયદાનો લાભ લેવા સામે આવ્યા છે.જો કોઈ કડકાઈ નહી કરાય તો શહેરમાં સરકારી ભૂકંપ આવવાની શક્યતા નકારી શકાતી નથી.