પંચમહાલ બેઠક પર એક મુખ્યમંત્રી બન્યા પછી લડ્યા
બીજા લડ્યા પછી મુખ્યમંત્રી બન્યા
અહીં ક્ષત્રિય બારિયા મતદારો નિર્ણાયક
ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને આ ક્ષેત્રના પાંચ જિલ્લા સોંપ્યા હતા. પાંચ જિલ્લાના કારણે આ વિસ્તારને બ્રિટિશરોએ ‘પંચમહાલ’ નામ આપ્યું. પણ રાજનીતિની દૃષ્ટિએ જોઈએ તો, પંચમહાલ ત્રણ જિલ્લામાં વહેંચાયેલું છે અને આ ત્રણ જિલ્લામાં જે પાર્ટીનું પ્રભુત્વ હોય, તે પંચમહાલ લોકસભા સીટ સરળતાથી જીતી જાય. આમ તો પંચમહાલ સીટ અલગ નહોતી. 2009થી અસ્તિત્વમાં આવી. પહેલાં આ સીટ ગોધરામાં સીટ હતી. પણ જ્યારથી પંચમહાલ સીટ અલગ બની ત્યારથી ત્રણેયવાર ભાજપ જ જીત્યો છે.
પંચમહાલ લોકસભા બેઠક અંતર્ગત 15 લાખ 66 હજાર 667 મતદાતાઓ આવે છે. જેમાં 7 લાખ 56 હજાર 424 મહિલા મતદાતા અને 8 લાખ 20 હજાર 230 પૂરૂષ મતદાતાઓ છે.
આ સીટનાં ત્રણવાર નામ બદલાયાં
ભારતમાં સામાન્ય ચૂંટણીની શરૂઆત 1951થી થઈ. એ સમયે આ બેઠક પંચમહાલ્સ કમ બરોડા ઇસ્ટ બેઠક હતી. 1957 અને 1962ની ચૂંટણીમાં આ સીટનું નામ પંચમહાલ્સ થયું. પછી આ નામ હટી ગયું અને ગોધરા નામથી આ સીટ અસ્તિત્વમાં આવી. 2004ની ચૂંટણી સુધી આ ગોધરા સીટ રહી પણ નવા સીમાંકન પછી ગોધરા સીટનું નામ પંચમહાલ સીટ થઈ ગયું. આ રીતે એક જ સીટનાં નામ ત્રણ-ત્રણ વાર બદલાયાં.
સાત વિધાનસભા સીટ
ઠાસરા
બાલાસિનોર
લુણાવાડા
સહેરા
મોરવા હડફ
ગોધરા
કાલોલ
સાત વિધાનસભા સીટમાંથી એક કોંગ્રેસના ફાળે
પંચમહાલ લોકસભા અંતર્ગત સાત વિધાનસભા બેઠકો આવે છે જેમાં ઠાસરા, બાલાસીનોર, લુણાવાડા, શેહરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ બેઠકનો સમાવેશ થાય છે. વિધાનસભાની આ 7 બેઠકમાંથી 6 બેઠક પર ભાજપ છે. જ્યારે એક લુણાવાડા પર કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ ધારાસભ્ય છે. જોકે કોંગ્રેસે ગુલાબસિંહને આ વખતે પંચમહાલ બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે.
કોંગ્રેસે અનુભવી ઉમેદવારને તક આપી તો ભાજપે યુવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા
કોંગ્રેસે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને લોકસભાની ટિકિટ આપી છે. તો ભાજપે યુવા અને નવોદિત ચહેરા રાજપાલસિંહ જાદવને મેદાનમાં ઉતાર્યા છે. રાજપાલસિંહ જાદવ મૂળ કાલોલ તાલુકાના કરોલી ગામના વતની છે. 1998ની સાલમાં રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘમાં જોડાયા બાદ 2000થી તે ભાજપમાં સક્રિય છે. 2001માં કરોલી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા. 2017માં જિલ્લા પંચાયતની કરોલી બેઠક પરથી જીત મેળવી જ્યારે 2019માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત સરકારના પૂર્વ વાહન વ્યવહાર મંત્રી સોમસિંહ વજેસિંહ ચૌહાણના પુત્ર છે. મૂળ લૂણાવાડાના વીરણિયાના રહેવાસી છે. ઓબીસી સમાજના ગુલાબસિંહ ચૌહાણ લુણાવાડાના વિધાનસભા સીટ પરથી 26,700 મતથી વિજય થઈ ધારાસભ્ય બન્યા હતા.
ક્ષત્રિય બારિયા મતદારો નિર્ણાયક, બીજા ક્રમે આદિવાસી
પંચમહાલ બેઠક પર સૌથી વધારે ક્ષત્રિય બારિયા મતદારો છે, એટલે આ સીટ પર ક્ષત્રિય બારિયા ઉમેદવાર બાજી મારી જાય છે. ક્ષત્રિય બારિયા પછી સૌથી વધારે મતદારો હોય તો એ આદિવાસી મતદારો છે. 8.39 લાખ ઓબીસી મતદારો સામે 2.37 લાખ આદિવાસી મતદારો છે. જ્યારે અન્ય જ્ઞાતિઓ મળીને પણ 5.94 લાખ મતદારો થાય છે. અન્ય જ્ઞાતિઓમાં વાણિયા, પટેલ, ક્ષત્રિય, સોનીનો સમાવેશ થાય છે. લુણાવાડા, ગોધરા વિસ્તારમાં મુસ્લિમ મતદારો વધારે છે. અહીં દલિત સમાજના 0.86 ટકા મતદારો પણ આ વખતની ચૂંટણીમાં નિર્ણાયક બની રહેશે.