ઘોઘંબા ગ્રામ પંચાયતની જમીનમાં મોટો ભૌગોલિક ફેરફાર
આખા ગામ માં ધરતીકંપ આવ્યો હોય અને જમીન ઉથલ પાથલ થઇ ગઈ
ગામની સરકારી જમીન અને બિલ્ડીંગ ખાનગી માલિકના નામે થઇ ગયા
થોડા દિવસ પહેલા જ પંચમહાલ જિલ્લા સિટી સર્વે કચેરીએથી બોગસ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરાયાનું એક કૌભાંડ બહાર આવ્યું છે અને એ મામલે તપાસ પણ ચાલી રહી છે ત્યારે સિટી સર્વે વિભાગની જ બીજી એક ગંભીર બેદરકારી બહાર આવી છે,જેમા સિટી સર્વે વિભાગ દ્વારા 2016/2017ના વર્ષ દરમિયાન ખાનગી એજન્સી મારફતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સર્વે કરવામાં આવ્યો હતો.
સરકારી જમીન ખાનગી લોકોના નામે
સર્વેમાં એટલા મોટા છબરડા આચારવામાં આવ્યા હતા કે ગામની જમીન હોય કે ખેતીની જમીન હોય જેમા આડેધડ કોઈની મિલકત કોઈના નામે કરી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનુ બહાર આવ્યું છે,જે સરકારી દસ્તાવેજ પોતાની મિલકતનો આધારભુત પુરાવો કહેવાય એજ નક્કી કરવામાં મોટી બેદરકારી કરવામાં આવી છે.આવો જ એક મામલો ઘોઘંબા ગ્રામ પંચાયતમાં જોવા મળ્યો છે જેમા આખે આખું ગામ તેના નકશામાં આઘા પાછું કરી દેવાયું અને જે સર્વે નંબર પ્રમાણે માલિકોના નામ હતા એ બદલીને અન્યોના નામો લખી દેવાયા છે.
ગામમાં ઝઘડા થવાની શકયતાઓ વધી
જેમા ગ્રામ પંચાયતની હદમાં આવતી સરકારી શાળા, નદી પરનો બ્રિજ, સરકારી મકાન અને ગ્રામ પંચાયતની જમીન ખાનગી માલિકની દર્શાવી દેવામાં આવી છે.આ મામલાની જાણ ગામના સરપંચ નિલેશભાઈ વરીયાને થતા સિટી સર્વે વિભાગને વારંવાર રજૂઆત કરવાની શરૂઆત કરી અને આખા ગામમાં કોઈની મિલકત કોઈના નામે જાહેર થશે તો ગામમાં મોટા ઝઘડા થશે એ સંભાવનાને લઈ જે તે વખતનો સર્વે કેન્સલ કરી રિસર્વે કરવા વિંનતી કરી પરંતુ સિટી સર્વેના અધિકારીઓ કોઈ પણ સહકાર નહી આપતા ગામમાં અંદરો અંદર ઝઘડાઓ થવાની શક્યતાઓ વધી જવા પામી છે.
મિલકત સંબધી ઝઘડાઓ વધવાની શકયતા
ગ્રામજનોની મિલકતમાં પણ મોટા પાયે સર્વેમાં છબરડો હોવાથી મિલકત સંબંધી ઝગડાઓ થવાની શક્યતા જોવાઈ રહી છે ત્યારે ‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે ‘ઉક્તિ સમાન સિટી સર્વે વિભાગ સરપંચને અરજી મોકલવા કહે છે ત્યારે વહેલી તકે રીસર્વે કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે.આખા છબરડામાં ગામની વર્ષોથી ચાલતી સરકારી શાળાનું મકાન પણ કોઈ અન્ય ખાનગી માલિકના નામે સર્વે નંબર દર્શાવા માં આવ્યો છે, આર એન્ડ બી વિભાગનું સરકારી મકાનનો સર્વે નંબર પણ કોઈ વ્યક્તિના નામે દર્શાવાયો છે.
સરકાર આ મામલે વચ્ચે પડે તે જરૂરી
ગ્રામ પંચાયતના મકાનની જમીન પણ કોઈ ખાનગી વ્યક્તિના નામે દેખાઈ રહી છે અરે એટલું જ નહીં પણ ગામની નજીક થી પસાર થતી નદી પરનો બ્રિજ પણ કોઈ ગામના વ્યક્તિના નામે દર્શાવાયો છે. સમગ્ર મામલો સરપંચના ધ્યાને આવતા આખો મામલો બહાર આવ્યો છે જેના પ્રોપર્ટી કાર્ડ પણ નિકળી ગયા છે. હવે મામલો આગળ વધતા સરપંચ જણાવી રહ્યા છે કે હજુ તો ગામ લોકોની મિલકત બાબતે તપાસ કરવામાં આવે તો બહુ મોટો છબરડો સામે આવે એમ છે.ત્યારે સિટી સર્વેના અધિકારીઓ રિસર્વે માટે નિર્ણય લે અથવા સરકાર આ મામલામાં માથું મારે.