Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વખતે બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે બંનેએ મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ભાજપે ડો. રેખાબેન ચૌધરી, તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ અને પોલીસતંત્ર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી સમયે જ પોલીસ કાર્યવાહી કરી છે અને ઠાકોર સમાજને દબાવે છે.’ આ ઉપરાંત તેઓ ભૂવાજીના શરણે ગયા હતા.
ગેનીબેન ઠાકોરે પોલીસતંત્ર પર આકરા પ્રહાર કર્યા
ગઈકાલે (બુધવાર) પ્રચાર દરમિયાન થરાદના ઈઢાટા ગામે જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે પોલીસતંત્ર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, સણાવિયા ગામના વ્યક્તિ સામે બે વર્ષ જૂનો કેસ હતો. જેમાં પોલીસે અઠવાડિયા પહેલાં કાર્યવાહી કરી. શું બે વર્ષ સુધી પોલીસને કાર્યવાહીનો સમય ન મળ્યો? ચૂંટણી સમયે જ પોલીસ ઠાકોર સમાજને દબાવે છે. આ સાથે સાથે ડેરીના પૈસાનો ઉપયોગ પણ ચૂંટણીમાં થતો હોય તેવો આક્ષેપ લગાવ્યો છે.’ આ ઉપરાંત દિયોદરના સાલપુર ખાતે માતાજીની રમેલમાં તેમણે કહ્યું હતું કે, ‘માતાજીના આશીર્વાદ મળે અને તમે સૌ આગળ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાર્થના. માતાજી આપ સૌનું કલ્યાણ કરે અને તમારા સૌના અને ભૂવાજીના મને આશીર્વાદ મળે, હું ભૂવાજીને વિનંતી કરું પ્રાર્થના કરજો અને ધૂણતાં-ધૂણતાં ઘરના ભૂવા હોય ને તો નારિયેળ ઘર સામે નાંખે.’
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર બે વાર વિધાનસભા ચૂંટણી જીતી
ગેનીબેન ઠાકોર વર્ષ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. આ પછી ફરી 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6,655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા. જો કે, આ વખતે કોંગ્રેસે વાવ બેઠકના સિટિંગ ધારાસભ્ય અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભા બેઠકથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે.