Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજનેતાઓ પ્રચાર-પ્રસારમાં લાગેલા છે. આ વચ્ચે એક નેતાના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમરેલી બેઠક પરના ઉમેદવાર ભરત સુતરીયાનો છે.
અમરેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં બુથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં અમરેલી બેઠકના ઉમેદવાર ભરત સુતરીયા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ નારણ કાછડિયા, દિલીપ સંઘાણી અને કૌશિક વેકરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો સંમેલનમાં બુથ પ્રમુખ અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ દરમિયાન સી.આર.પાટીલે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવારને પાંચ લાખ મતોથી જીતાડવા માટે કાર્યકરોને અપીલ કરી હતી. આ સંમેલનમાં અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ ભાષણ આપ્યું હતું. જે દરમિયાન તેમની જીભ લપસી હતી. જેને લઈને થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો.
‘અબકી બાર ચારસો પાર નહીં પણ પાંચસો પાર થશે’
સી.આર. પાટીલની હાજરીમાં ભરત સુતરીયાએ ભાષણ આપતા કહ્યું હતું કે, ‘અબકી બાર ચારસો પાર. 400 પાર શું, આપણા અધ્યક્ષ સી.આર.પાટીલે કીધું છે 500 પાર. સી.આર. પાટીલ સાહેબને ખાતરી આપીએ છીએ કે આ વખતે અમરેલી 500 પાર હશે. એમાં કોઇ શંકા નથી.’ તો આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભરત સુતરીયાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો આ વીડિયોને પોસ્ટ કરતા પરેશ ધાનાણીએ કટાક્ષ પણ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર થઇ ચૂક્યા છે. આ બેઠક પર ભાજપ-કોંગ્રેસે લેઉવા પાટીદારને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ તરફથી ભરત સુતરીયા અને કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર ઉમેદવાર છે. ઉપરાંત અમરેલી લોકસભા બેઠક પર 1957થી 2019 સુધીના ઇતિહાસની વાત કરીએ તો, અહીં 16 વખત ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણીઓમાં 8 વખત કોંગ્રેસ અને 7 વખત ભાજપની જીત થઇ છે. જ્યારે એક 1 વખત જનતાદળના ઉમેદવારે જીત નોંધાવી હતી.