નવી દિલ્હી,૧૦ એપ્રિલ,૨૦૨૪,બુધવાર
યુનાઇટેડ નેશનના હેપીનેસ ઇન્ડેક્ષમાં ભારત ફરી પાકિસ્તાન કરતા પાછળ રહી ગયું છે. ભારત હેપીનેસ ઇન્ડેક્ષમાં ૧૨૬ જયારે પાકિસ્તાન ૧૦૮માં સ્થાને રહયું છે. યુએનના હેપીનેસ રિપોર્ટમાં ફિનલેંડ દુનિયાનો સૌથી ખૂશહાલ દેશ બન્યો છે. ફિનલેન્ડ પછી ડેનમાર્ક, આઇસલેન્ડ અને સ્વીડન ટોચનું સ્થાન ધરાવે છે. ત્યાર પછી ઇઝરાયેલ, નેધરલેન્ડ, નોર્વે, લકઝમબર્ગ, સ્વીત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
હેપીનેસ યાદીમાં અફઘાનિસ્તાન સૌથી છેલ્લો ૧૪૩મો ક્રમ ધરાવે છે પરંતુ નવાઇની વાત તો એ છે કે પાકિસ્તાન ૧૦૮માં ક્રમ સાથે ભારત કરતા ૧૮ અંક આગળ છે. પાકિસ્તાનમાં લોકતંત્ર સરકારોની નિષ્ફળતા,આર્મીનો હસ્તક્ષેપ,મોંઘવારી અને આર્થિક કટોકટી અને આતંકવાદ જેવી સળગતી સમસ્યાઓ હોવા છતાં ભારતની સરખામણીમાં યુએનની યાદી મુજબ લોકો વધારે ખૂશ રહે છે.
અમેરિકાની ઇકોનિમી દુનિયામાં સૌથી પાવરફૂલ છે અને વર્લ્ડ લિડર તરીકેની ભૂમિકા રહી છે તેમ છતાં સર્વક્ષણમાં અમેરિકાનું સ્થાન ૨૩ મું છે જર્મનીને ૨૪ મું સ્થાન મળ્યું છે. કોસ્ટારિકા અને કુવૈતનો ટોચના ૨૦ ખૂશહાલ દેશમાં સમાવેશ થયો છે. કોસ્ટારિકા ૧૨ માં જયારે કુવૈત ૧૩માં સ્થાને છે.
હેપીનેસ ઇન્ડેક્ષમાં સૌથી વધારે અફઘાનિસ્તાન, લેબનોન અને જોર્ડનની પડતી થઇ છે. પૂર્વી યુરોપના દેશો જેમકે સર્બિયા, બલગેરિયા અને લાતવિયાનું રેન્કિંગ વધારે સારુ રહયું છે. હેપીનેસ યાદીમાં લોકોની જીવનથી સંતુષ્ટ,પ્રતિ વ્યકિત જીડીપી,સામાજિક સમર્થન,સ્વસ્થ જીવન સરેરાશ, સ્વતંત્રતા અને ભ્રષ્ટાચાર જેવા મુદ્વાઓના આધારે નકકી કરવામાં આવે છે.