Anshuman Gaekwad Funeral : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને લંડનમાં સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો છે. આજે બપોરે (1 ઓગસ્ટ) અંતિમયાત્રા નિકળશે. થોડા દિવસ પહેલાં જ બીસીસીઆઇ સચિવ જય શાહે ગાયકવાડની મદદ કરવા માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જય શાહ આ પડકારજનક સમયમાં ગાયકવાડ પરિવાર સાથે સીધો સંપર્ક સાધી તેમને સમર્થન આપ્યું હતું.
અંતિમયાત્રા ગાયકવાડ ફાર્મથી નિકળીને કિર્તી મંદિર પહોંચી હતી. જ્યાં તેમના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે. તેમની અંતિમયાત્રામાં નજીકના સગા-સંબંધીઓ સહિત બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની, પૂર્વ વિકેટ કિપર નયન મોંગિયા, આઇપીએલમાં દિલ્હી કેપિટલ મહિલા ટીમના હેડ કોચ ગીતાબેન ગાયકવાડ સહિતના જાણિતા લોકો પહોંચ્યા હતા.
આ પણ વાંચો : દિગ્ગજ ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન, ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર
તમને જણાવી દઇએ કે 1983 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પણ અંશુમન ગાયકવાડ માટે આર્થિક મદદ માટે હાથ આગળ વધાર્યો હતો. મોહિંદર અમરનાથ, સુનિલ ગાવસ્કર, સંદીપ પાટીલ, દિલીપ વેંગસરકર, મદનલાલ, રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ જેવા પૂર્વ ક્રિકેટ દિગ્ગજોએ સાથે મળીને કપિલ દેવે પોતાના બિમાર સાથીની મદદ માટે પૈસા ભેગા કરવાની દિશામાં કામ કર્યું હતું.
અંશુમન ગાયકવાડે 1997 થી 2000 દરમિયાન બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચના રૂપમાં પણ કામ કર્યું હતું. તેમના કોચિંગમાં ભારત 2000 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપવિજેતા પણ રહી હતી. જ્યારે તે કોચ હતા, ત્યારે અનિલ કુંબલેએ નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ ઇનિંગમાં 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગાયકવાડે 1990 ના દાયકમાં નેશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે જૂન 2018માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા.
12 વર્ષના કેરિયરમાં ગાયકવાડે 40 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 30ની એવરેજની મદદથી 1985 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને 10 ફીફ્ટી ફટકારી હતી. તેમણે 15 વન ડેમાં 289 રન બનાવ્યા હતા. 1983 માં જલંધરમાં પાકિસ્તાન વિરૂદ્ધ 201 રનનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો.