Heavy Rain in Valsad: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વલસાડ જિલ્લાના 45 મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
ધોધમાર વરસાદથી વાપી જળમગ્ન બન્યું
વાપીમાં છેલ્લા 24 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાપી નગર પાલિકાના રેલવે અંડર પાસમાં વરસાદી પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ કપરાડામાં 6.3 ઈંચ, પારડ 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, વાપીમાં 7 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (ત્રીજી ઓગસ્ટ) જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.