Rajkot News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે ત્યારે આજે રાજકોટ જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
તમામ મૃતકો ધોરાજીના રહેવાસી હોવાની માહિતી
રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે એક કાર ભાદર-2 નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને નદીમાં ખાબકી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાર ઉપલેટાથી ધોરાજી તરફ આવી રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કારમાં સવાર ચાર લોકોના મોત નિપજ્યા છે જેમાં એક પુરુષ અને બે મહિલા અને એક યુવતી સવાર હતા. તમામ મૃતકો ધોરાજીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
આ અકસ્માતની ઘટના અંગે જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તરવૈયાઓની મદદથી લાશોને બહાર કાઢવામાં આવી છે અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. હાલ કાર કોની છે અને કારમાં સવાર લોકો કોણ હતા તેની માહિતી હજુ સુધી મળી નથી પરંતુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતને પગલે પુલ પર લોકોના ટોળા એક્ઠા થઈ ગયા હતા.