પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર દુર્ઘટના

માંડાસણ ગામે સોમ યજ્ઞામાં દર્શન કરીને ધોરાજીનો પરિવાર પરતો ફરતો હતા ત્યારે દંપતી, યુવાન પુત્રી સહિત ચારે જીવ ગુમાવ્યોઃ યુવતીની દોઢ મહિના પહેલાં જ થઇ હતી સગાઇ 

ધોરાજી: પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ધોરાજી પાસે ભાદર પુલ ઉપરથી ધોરાજીનો પરિવાર કાર લઇને પસાર થતો હતો ત્યારે પુલ પર કારનું ટાયર ફાટતા ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પુલ પરથી ભાદર નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પાણીમાં ડૂબી જતા કારમાં બેઠેલા ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના ખરાવડ પ્લોટ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ દામજીભાઈ ઠુમ્મર (ઉં.વ.૪૬) પોતાની પત્ની, યુવાન પુત્રી તથા પાટલા સાસુ સહિતના પરિવાર સાથે માંડાસણ ગામ ખાતે સોમ યજ્ઞાના ધામક પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આજે સવારે ૯ વાગ્યે પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ધોરાજી નજીક પહોંચતા ભાદર નદીના પુલ પાસે અચાનક જ કારનું ટાયર  ફાટતાં કાર ચાલક  દિનેશભાઈએ કાર પર કાબૂ ગુમાવી બેસતા અચાનક કાર પલટી મારીને ભાદર નદીમાં ખાબકી હતી.

કાર નદીમાં ખાબકતા કાર ચાલક દિનેશભાઈ દામજીભાઈ ઠુંમર (ઉ.વ.૪૬), તેમના પત્ની લીલાવતીબેન દિનેશભાઈ ઠુમર (ઉં.વ.૪૨) તેમજ તેમની પુત્રી હાર્દિકાબેન દિનેશભાઈ ઠુંમર(ઉં.વ.૨૨) તેમજ પાટલા સાસુ સંગીતાબેન પ્રવીણભાઈ કોયાણી (ઉં.વર્ષ ૫૫) ભાદર નદીના પાણીમાં ગરકાવ થતા ઘટના સ્થળે જ મોત થયા હતા. ધોરાજી તાલુકા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. ભાદર નદીના પાણીમાંથી  ચારેયના મૃતદેહને બહાર કાઢી ધોરાજી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.

મૃતક દિનેશભાઈ દામજીભાઈ ઠુંમર ધોરાજીના ખરાવડ પ્લોટ કોયાણી શેરી ખાતે રહેતા હતા. તેઓ કુંભારવાડા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા હતા અને સારી નામના ધરાવતા હતા. તેમની ૨૨ વર્ષની પુત્રી હાર્દિકાની દોઢ  મહિના પહેલા જ સગાઈ કરવામાં આવી હતી. અકસ્માતમાં તેમનો પરિવાર આખો વીખાઈ ગયો હતો. ઘટનાથી ધોરાજી સમગ્ર પટેલ સમાજમાં તેમજ ધોરાજીની સેવાકીય સંસ્થામાં કામ કરતા લોકોમાં પણ ભારે શોક છવાઈ ગયો હતો. બનાવ અંગે ધોરાજીના તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વિક્રમસિંહ જેઠવા તથા સ્ટાફે તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *