કાલાવડના આંબેડકરનગરમાં
ત્રાસ આપી વૃધ્ધાને આત્મહત્યા માટે મજબૂર કરનારા ૧૦ પાડોશીઓ સામે ગુનો દર્જ
જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આંબેડકર નગરમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ પોતાના પાડોશીઓના ત્રાસના કારણે ફીનાઇલ પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે વૃદ્ધ મહિલા ને આત્મહત્યા કરવા માટે મજબુર કરનારા ૧૦ પાડોશીઓ સામે ગુનો નોંધ્યો છે. જે બનાવને લઈને કાલાવડ પંથકમાં ભારે ચકચાર જાગી છે.
કાલાવડ ટાઉનમાં આંબેડકર નગરમાં રહેતા રામીબેન ઉગાભાઈ સોંદરવા નામના ૬૦ વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાના ઘેર ફીનાઇલ પી લીધું હતું, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓએ પોતાના પાડોશીઓના અવારનવારની માથાકુટ અને ત્રાસથી કંટાળી જઈ. આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ રામીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જે બનાવ અંગે મૃતક રાનીબેનના પુત્ર પ્રફુલભાઈ ઉગાભાઇ સૌંદરવા એ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં પોતાના માતાને ત્રાસ આપી મૃત્યુના મુખમાં ધકેલી દેનાર પાડોશીઓ અમુભાઈ ચનાભાઈ સોલંકી, હંસાબેન અમુભાઈ સોલંકી, રેખાબેન અમુભાઈ સોલંકી, ગોવિંદભાઈ સોલંકી, જયાબેન ગોવિંદભાઈ સોલંકી, વિનોદભાઈ અમુભાઈ સોલંકી, સોનલબેન વિનોદભાઈ સોલંકી, કિશોરભાઈ અમુભાઈ સોલંકી, જ્યોતિબેન કિશોરભાઈ સોલંકી, અને વીરજીભાઈ ડાયાભાઈ સોંદરવા સામે ફરિયાદ નોંધાવતી પોલીસે ગુનો નોંધ્યો છે.
ફરિયાદીના પરિવાર અને આરોપીઓના પરિવાર વચ્ચે આશરે દોઢેક વર્ષ પહેલાં ઝઘડો થયો હતો, અને આ બાબતે પોલીસ ફરિયાદ થઈ હતી. જેનું મનદુઃખ રાખીને આરોપીઓ અવારનવાર ફરિયાદી અને તેના પરિવાર સાથે ઝઘડાઓ કરી માથાકૂટ કરીને ત્રાસ આપતા હતા. જે ત્રાસ સહન નહીં થતાં રામીબેને આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.