જેતપુર કોર્ટ દ્વારા અપાયેલો ચૂકાદો
સામાકાંઠા વિસ્તારમાંથી પરપ્રાંતિય પરિવારની બાળકીને ઉઠાવી ગયા બાદ દુષ્કર્મની કોશિષ કરતા બાળકીએ રાડારાડ કરી માથા પર પથ્થર ઝીંકી હત્યા કરી હતી
જેતપુર: જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગત વર્ષ રામનવમીના દિવસે પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકીની ત્યાં કારખાનામાં રહેતો અને મજુરી કરતા શખસનો દુષ્કર્મનો ઇરાદો પાર ન પડતા બાળકીને મોઢે ડુમો દઇ માથા પર પથ્થર મારી હત્યા નીપજાવી હતી. આ ગુનાનો કેસમાં સેશન્સ જજે આરોપી શખસને આજીવન કેદની સજા કરી છે.
જેતપુર શહેરના સામાકાંઠા ઔધોગિક એકમ જનકલ્યાણી વિસ્તારમાં ગત વર્ષે ૩૦ માર્ચના રામનવમીના દિવસે બપોરના સમયે એક પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી. જેથી બાળકીના માતા-પિતાએ પોલીસને જાણ કરી હતી. ઘણી શોધખોળના અંતે બાળકીના ઘરથી થોડે જ દુર એક ખુલ્લા મેદાનમાં બોઇલરમાં બળતળ તરીકે ઉપયોગમાં લેવાતા લાકડાઓની વચ્ચે એક પ્લાસ્ટીકની કોથળી નજરે પડતા પોલીસે તે ખોલીને જોતા તેમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
બાળકીનો મૃતદેહ વસુંધરા પ્રીન્ટ નામના સાડીના કારખાનાના મેદાનમાં રાખેલ લાકડાઓમાંથી મળતા પોલીસે બાળકીના ઘરથી વસુંધરા પ્રીન્ટ સુધીના વિસ્તારમાં આવેલ કારખાનાઓના સીસીટીવી કેમેરા જોતા એક કેમેરામાં બાળકી દુધિયા કલરનું શર્ટ પહેરેલ એક શખ્સ સાથે જતી જોવા મળી હતી. જેથી પોલીસે તપાસ બાદ વસુંધરા પ્રીન્ટ નામના કારખાનામાં કામ કરતા રાજેશ ચૌહાણ મુળ બિહારના નાલંદા જીલ્લાના રઘુનાથપરાના વતનીની પુછપરછ હાથ તેણે કબુલાત આપેલ કે કારખાનામાંથી થોડે દુર એક બાળકી રમતી નજરે પડતા બાળકીને ભાગ આપવાની લાલચ આપી કારખાનામાં લઇ ગયેલ અને બાળકી સાથે દુષ્કર્મની કોશિષ કરતા બાળકીએ રાડારાડ કરી મુકી જેથી બાળકીનો અવાજ બહાર ન જાય તે માટે રાજેશે બાળકીના મોઢે મુંગો દઇ માથામાં પથ્થર મારી હત્યા નીપજાવી નાખી અને બાળકીના મૃતદેહને સગેવગે કરવા પ્લાસ્ટીકની કોથળીમાં લાશ મુકી લાકડાઓની વચ્ચે સંતાડી દીધી હતી.
પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી આરોપી રાજેશ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ કેસ જેતપુરની એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કેતન પંડયાએ ૧૪ સાહેદો અને ૫૫ જેટલા દસ્તાવેજી પુરાવા સાથેની દલીલ રજૂ કરતા સેશન્સ જજ એલ.જી.ચુડાસમાએ આરોપી રાજેશને આજીવન કેદ અને ૩૦ હજાર રૂપિયાના દંડની સજા કરી હતી. બાળકીના માતા પિતાને બે લાખ રૂપિયા વળતર ચુકવવા જિલ્લા કાનૂની સહાય મંડળને ભલામણ કરી હતી.