Samit Dravid: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડનો દીકરો પણ ક્રિકેટ રમે છે. મિડિયમ પેસ બોલિંગની સાથે સાથે સમિત દ્રવિડ મિડલ ઓર્ડરમાં પણ બેટિંગ કરે છે. રાહુલ દ્રવિડના દીકરા સમિત દ્રવિડને તેની કારકિર્દીનો પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તેને મહારાજા ટ્રોફી KSCA T20 લીગમાં આ કોન્ટ્રાક્ટ મળ્યો છે. ગત સિઝનની રનર અપ મૈસુર વોરિયર્સે સમિત દ્રવિડને 50 હજાર રૂપિયામાં ખરીદ્યો છે. 

દ્રવિડ બેંગલુરુનો રહેવાસી છે અને સ્થાનિક લેવલે ક્રિકેટ રમે છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહારાજા ટ્રોફી KSCA T20 લીગ માટે ખેલાડીઓની હરાજી યોજાઈ હતી. જેમાં 240 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી. આ ખેલાડીઓમાં શ્રેયસ ગોપાલ, કૃષ્ણપ્પા ગૌતમ અને જે સુચિથ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

કર્ણાટકની અંડર-19 ટીમનો સદસ્ય

18 વર્ષીય સમિત દ્રવિડ કર્ણાટકની અંડર-19 ટીમનો ભાગ હતો જેણે તાજેતરમાં કૂચ બિહાર ટ્રોફી જીતી હતી. સમિત અલુરમાં લેન્કેશાયર સામેની ત્રણ દિવસીય મેચમાં KSCA XIનો પણ ભાગ હતો.

મૈસુર વોરિયર્સની ટીમમાં સમિત દ્રવિડ ઉપરાંત કરુણ નાયર, પ્રસિધ ક્રિષ્ના, કૃષ્ણપ્પા ગૌતમ અને જે સુચિથ પણ રમશે. આવા કેટલાક સિનિયર અને IPL રમી ચૂકેલા ખેલાડીઓ સાથે રમવાની તેને તક પણ મળશે. મૈસૂર વોરિયર્સે આ વખતે પણ કરુણ નાયરને જાળવી રાખ્યો છે. આ સિવાય વોરિયર્સે કૃષ્ણપ્પા ગૌતમને 7.4 લાખ રૂપિયામાં અને જે સુચિથને 4.8 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ટીમ ઈન્ડિયામાં રમી ચૂકેલા અને સર્જરી બાદ મેદાનમાં પરત ફરી રહેલા પ્રસિધ ક્રિષ્નાને ટીમે એક લાખ રૂપિયામાં ખરીદ્યા છે.

આ હરાજીમાં એલઆર ચેતન સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. ચેતનને બેંગલુરુ બ્લાસ્ટર્સે 8.2 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્લાસ્ટર્સની કમાન ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂકેલા ખેલાડી મયંક અગ્રવાલના હાથમાં છે. મહારાજા ટ્રોફીની 2024 સીઝન 15 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રમાશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *