યુનિ. રોડ નજીક સંજય વાટીકાનો બનાવ
પરિવાર પુત્રની સગાઈ કરવા પોરબંદર ગયો બાદ પાછળથી ચોરીઃ બે શખ્સો સીસીટીવીમાં કેદ
રાજકોટ: રાજકોટમાં તસ્કરોએ ફરી તરખાટ મચાવ્યો છે. યુનિવર્સિટી રોડ ઉપર સંજય વાટીકા સોસાયટી શેરી નં.૭માં રહેતાં શિતલબેન મનોજભાઈ સાણથરા (ઉ.વ.૪૬)ના મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા.૧૩.રપ લાખની મત્તા ચોરી ગયાની ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
શિતલબેને પોલીસને જણાવ્યું કે તેના પુત્ર શુભમની સગાઈ પોરબંદર કરવા માટે તે, તેનો પુત્ર અને પતિ મકાનને તાળા મારી ગઈ તા.૮ના ત્યાં જવા રવાના થયા હતા. સગાઈ તા.૯ના હોવાથી તે પોરબંદર રહેતાં જેઠ દીનેશભાઈને ત્યાં રોકાયા હતા. સગાઈનો પ્રસંગ પુરો થતાં તે પતિ સાથે પરત રાત્રે ઘરે આવી ગયા હતા. તે ઘરે ઉપરના રૂમમાં હોલમાં જઈ બેઠા હોય પતિ પાણી પીવા રસોડામાં ગયા હતા. આ સમયે રસોડા પાસેનો બેડરૂમ ખુલ્લો જોવા મળતા તેણે અંદર તપાસ કરતાં કબાટનું તાળુ તુટેલુ જોવા મળ્યું હતું અને સામાન અસ્ત-વ્યસ્ત પડેલો હતો. આથી પતિએ તેને ત્યાં રૂમમાં બોલાવતા તે ગયા હતા. ઉપરના માળે આવેલા બે બેડરૂમમાં જતા તેના તાળા પણ તુટેલા જોવા મળ્યા હતા. દંપતીએ પ્રથમ મકાનના જમણી તરફના રૂમમાં આવેલા કબાટ કે જેનો દરવાજો તુટેલો હતો તેમાં તપાસ કરતા ડ્રોવરમાં રાખેલા દાગીના ૩પ તોલાના સોનાના હાર, બુટી, બાજુબંધ, પાટલા, સાંકળા લકી અને હાથકડુ ઉપરાંત રૂા.૬૦ હજારની રોકડ જોવા મળી ન હતી.
એટલું જ નહીં સામેના રૂમમાં ચેક કરતા રૂમની પાસે મંદિરમાં રાખેલા રૂા.રપ હજાર પણ જોવા નહીં મળતા ચોરી થયાની જાણ થતા ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તસ્કરોએ ગઈ તા.૮ થી ૯નાં રાત્રી દરમિયાન ઘરની દિવાલ કુદી બાલ્કનીનું શટર ખોલી રૂમમાં પ્રવેશ્યા બાદ મેઈન રૂમનું તાળુ તોડી કબાટના લોક તોડી ચોરી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઘટનાને પગલે ગાંધીગ્રામ-ર ઉપરાંત ક્રાઈમબ્રાંચ, એલસીબી ઝોન-રની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. બે શખ્સો સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.