– અડાજણના શો-રૂમમાં મહિન્દ્રા થાર કાર નોંધાવી પરત રીક્ષામાં જતી વેળા મોબાઇલ સ્નેચીંગ થયાનો ફરિયાદમાં ઉલ્લેખઃ ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવશે
સુરત
ગાંધીનગરના નાયબ ક્લેકટર તરીકેની ઓળખ આપી રીંગરોડ-માનદરવાજાના ચામુંડા જ્વેલર્સના માલિક સાથે રૂ. 12.38 લાખની છેતરપિંડી કરનાર ઠગ મહિલાએ સારોલી પોલીસ મોબાઇલ સ્નેચીંગની ફરિયાદ ટાંણે પણ સરકારી અધિકારી તરીકેની ઓળખ આપી હોવાથી સારોલી પોલીસે રાજય સેવકની ખોટી ફરિયાદ આપવા બદલ ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરી છે.
રીંગરોડ-માનદરવાજાના ચામુંડા જ્વેલર્સમાં ગત 31 માર્ચના રોજ ગાંધીનગરના નાયબ ક્લેકટર હેતલ પટેલ તરીકેની ઓળખ આપી રૂ. 12.38 લાખના દાગીના ખરીદયા બાદ પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા. પરંતુ આ ચેક રીટર્ન થતા દોડતા થયેલા જ્વેલર લખાભાઇ રબારીએ ગાંધીનગર ખાતે તપાસ કરાવતા હેતલ પટેલ નામનું કોઇ નાયબ ક્લેકટર ન હોવાનું જાણવા મળતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં પોલીસે ઠગ મહિલા હેતલ ખાનસીંગ ચૌધરી (ઉ.વ. 30 રહે. હાલ મોર્યા ગામ, તા. પાલનપુર, બનાસકાંઠા અને રાજભવન સરકીટ હાઉસની બાજુમાં, સેક્ટર 19, ગાંધીનગર અને મૂળ. ચૌધરી સમાજની વાડી સામે, વ્યારા, જી. તાપી) અને તેના પ્રેમી કે જેની સાથે તે હાલ લીવ ઇનમાં રહે છે તે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સેમરાજભાઇ પટેલ (ચૌઘરી) (ઉ.વ. 33 રહે. મોર્યા ગામ, તા. પાલનપુર, જી. બનાસકાંઠા) ની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઠગ હેતલ પટેલે ગત 30 માર્ચના રોજ સારોલી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્નેચીંગની ફરિયાદ નોંધાવવા ગઇ હતી. જયાં પોલીસ સમક્ષ અડાજણના શો-રૂમમાં મહેન્દ્રા થાર કાર નોંધાવવા ગઇ હતી અને ત્યાંથી પરત ઓટો રીક્ષામાં બારડોલી જઇ રહી હતી ત્યારે સહારા દરવાજા નજીક જલારામ મસાલા પાસે મોપેડ સવાર મોબાઇલ આંચકીને ભાગી ગયા હતા.